બારડોલી તાલુકાના કડોદ-મિયાવાડી ગામની આસપાસ આવેલી જી.આઈ.ડી.સી. ની કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા અસહ્ય વાયુ પ્રદૂષણ અને ઝેરી દુર્ગંધને કારણે કડોદ ગ્રામજનોનું જીવવું દુષ્કર થઈ ગયું છે. જેના કારણે તેમણે આરપારની લડાઈનું રણશિંગુ ફૂંક્યું છે. પ્રદૂષણ રૂપી પાપને નાથવા અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે કડોદ-મિયાવાડીના સામાન્ય વર્ગના લોકોએ એક વિશાળ શાંતિપૂર્ણ રેલી કાઢી ઝેરી પ્રદૂપણ બંધ કરાવવાની માંગણી કરી હતી. આ રેલીમાં કડોદ અને મિયાવાડી ગામના સામાન્ય વર્ગના વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા અને પ્રદૂષણ બંધ કરો, દુર્ગંધ બંધ કરો અને સ્વચ્છ હવા, સ્વસ્થ જીવનના સુત્રોચ્ચાર કર્યા હતા. .સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, જી.આઈ.ડી.સી. માંથી નીકળતા ઝેરી ધુમાડા અને દુર્ગંધને કારણે ગામના લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે અને અનેક બીમારીઓનો ભય સતાવી રહ્યો છે. સૌ સાથે મળીને કડોદ, મિયાવાડીને ફરીથી પ્રદુષણ મુકત અને રહેવાલાયક બનાવવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જો આગામી સમયમાં આ સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે, તો ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કડોદ ગામના સામાન્ય વર્ગના નાગરિકો પ્રદુષણ મામલે રોડ પર ઉતર્યા ત્યારે તેમને સાથ આપવા કોઈ આગેવાન કે નેતા તેમની આ લડતમાં નહી જોડાતા કડોદ ગામના લોકોમાં રોષ ફાટયો છે.
