બારડોલી : દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અને નર્મદા સહિતના જિલ્લાઓમાં રહેતા આદિવાસી સમુદાયના લોકો સામાન્ય રીતે દિવાળી પહેલાની તેરસને ધનતેરસ નહીં પરંતુ ધાન્ય તેરસ તરીકે વર્ષોની પરંપરા કાળથી ઉજવે છે. આદિવાસીઓ દ્વારા આ તહેવાર ખરીફ પાકની લણણીની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. આદિવાસી સમાજ સદીઓથી ડાંગર સહિતના પાકની લણણી સાથે ચંદ્ર અને સૂર્ય, જીવન ટકાવી રાખવાનાં સાધનો, સ્વરક્ષણનાં શસ્ત્રો અને પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે. દિવાળીના દિવસે દરેક ખેતરમાં, કૂવામાં, પશુઓને બાંધવાની જગ્યા, કોઠાર, ઘરનો દરવાજો, ઘર અને ગોયા(ફૂટપાથ)માં પણ દીવા પ્રગટાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અને નર્મદા સહિતના જિલ્લાઓમાં રહેતા આદિવાસી સમુદાયના લોકો, ખેડૂત પશુપાલકો પૂર્વજોથી ચાલતા રીતરિવાજ પ્રમાણે પ્રકૃતિ અને તેમના પૂર્વજોની જ પૂજા સાથે ધનતેરસે પણ લક્ષ્મીપૂજન કરે છે. આજે ધનતેરસે વાનગીઓમાં ઘઉંના લોટમાંથી બનેલી વાનગી, વડા, પકોડા, મિર્ચી વડા જેવી પરંપરાગત વસ્તુઓ તૈયાર કરવામાં આવતી હતી. હાલમાં નવી પરંપરા પ્રમાણે ખીર-પુરી અને ગુલાબ જામુન જેવી વાનગીઓ પણ બનાવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો