બારડોલી ધુલિયા ચોકડી નજીક બ્રિજ નીચેના સર્વિસ રોડ પર મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા આ ખાડાઓની યોગ્ય મરામત નહીં કરાવવામાં આવતાં વાહન ચાલકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.
બારડોલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ સર્કલ રોડ પર પડેલા ભંગાણોથી વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. વાહનચાલકો પાસે ટોલટેક્સના નામે લાખો રૂપિયા ઉલેચી લેતી હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા રોડની વ્યવસ્થિત મરામત નહી કરાવતાં લોકોમાં રોષ વ્યાપી ગયો છે. આ ખાડાઓ ઊંડા હોવાથી વરસાદ પડતા પાણી ભરાવાથી વાહનો ફસાઇ જવાની અને અકસ્માતો થવાની ઘટના વધતી જાય છે. તંત્ર દ્વારા અગાઉ પણ આ ખાડાઓ પૂરવામાં આવ્યા હતા, પરંતુ ધોધમાર વરસાદ પડતા ફરી ઓવરબ્રિજની ત્રણેય તરફનો રોડ ખાડામાં પરિવર્તિત થઈ જતાં વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. ખાડા પૂરવાની કામગીરીમાં પણ નકરી વેઠ ઉતારાતી હોવાનું સામે આવ્યું છે. ઠેરઠેર ખાડા હોવાથી વાહનો ધીમી ગતિએ હંકારવા પડી રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી ત્યાં સૂચનાના બોર્ડ મૂકવામાં આવ્યા નથી. આ ખાડાને કારણે મોટો અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે. જવાબદાર તંત્ર વહેલી તકે આ ખાડાઓની યોગ્ય મરામત કરાવે એ જરૂરી બન્યું છે.
