મહુવા અને અંબિકા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં આજે પણ પરંપરા પ્રમાણે આદિવાસી ખેડૂત પશુપાલકો આસો વદ બારસને વાઘબારસ તરીકે ઉજવવામાં આવે છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા આદિવાસી સમાજ દ્વારા જંગલી પશુઓ, માનવ સમુદાય તેમજ પાલતુ જાનવરોના રક્ષણ માટે વાઘ દેવની પુજા કરવામાં આવે છે. આજે વાઘબારસે મહુવા અને અંબિકા તાલુકામાં તેમજ બાજુના વાલોડ તાલુકાના ગામડાઓમાં વાઘબારસની ઉજવણી કરાઇ હતી. વાઘ બારસના દિવસે ચોક્કસ સ્થળે ગાય ભેંસ કે બકરા ભેગા કરવામા આવે છે. જ્યાં વાઘદેવની પહેલેથી જ સ્થાપના કરેલી હોય છે. પશુઓ ચરાવતા ગોવાળોમાંથી બે ગોવાળોને પસંદ કરવામાં આવે છે. એકને વાઘ અને બીજાને ભાલુ બનાવવામાં આવે છે. બંનેને વાઘદેવની સામે બેસાડી પુજા અર્ચના કરવામાં આવે છે. પુજા અર્ચનામાં પાનગો ચોખાના લોટમાંથી જાડો રોટલો બે પાનની વચ્ચે મુકીને શેકેલો રોટલો મુકવામાં આવે છે. વાઘદેવ પુજા પુરી થયા પછી પ્રતીક્ષામા વાઘ ભાલુડાની પુજા કરીને બંનેને તિલક કરી સવા રૂપિયો આપવામાં આવે છે. અને ફરતે બીજા બધા ગોવાળો ચેવટા એક પ્રકારનુ ફળ, ગોળ કાકડી લઈને ઊભા હોય છે. પશુઓને ગોળ ફેરવતા જાય અને ભગત દ્વારા ખાસ જંગલમાંથી મેળવેલ ઔષધીનો છંટકાવ કરે છે. એવા ચાર આંટા પુરા થાય એટલે વાઘ આવ્યાની બૂમ પડે છે. અને વચ્ચે બેઠેલા વાઘ અને ભાલુ બનેલા ગોવાળો પાનગો લઈને ખૂબ ભાગે છે. ત્યારે ગોળ ઉભા રહેલા ગોવાળો વાઘ અને ભાલુને મારવા દોડે છે. અને વાઘ ભાલુ દુર ભાગી જઈને પાનગો ખાઈને પરત આવે છે. પુજાના અંતરભાગમાં ઘરે ઘરથી ઉઘરાવેલા લોટમા બનાવેલા પાનગો અને દાળ ભાતનું વાઘબારૂની ઉજવણી કરતા લોકો સમુહ ભોજન કરે છે. પશુ ઉપર છાંટીને વધેલુ ઔષધ પોત પોતાના ઘરે લઈ જઈ બાકી રહેલા પશુઓ ઉપર છંટકાવ કરવા છુટા પડે છે.
