બારડોલી તાલુકાના મઢી-સુરાલી ફાટક પર છેલ્લા ચાર વર્ષથી અટકેલા ઓવરબ્રિજના કામને લઈને સ્થાનિક પ્રજાની ધીરજ ખૂટી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે ગ્રામજનોએ આપેલા એલાનને પગલે શનિવારે મઢી બજાર સંપૂર્ણપણે બંધ રાખી મઢી, સુરાલી અને આજુબાજુના ગામોના દુકાનદારો, ખેડૂતો અને શ્રામજીવીઓ ફાટક પાસે એકઠા થયા હતા. લોક આક્રોશને જોતા બારડોલી માર્ગ અને મકાન પેટા વિભાગના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર પી.વી.પટેલ અને ઈન્ચાર્જ મદદનીશ ઈજનેર ડી.બી. ચૌધરીએ બ્રિજની કામગીરી સમયસર પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી. આ મામલે બારડોલી માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સુરાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને સત્તાવાર લેખિત પત્ર પણ સુપરત કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે એલ.સી.-37 બ્રિજનો મઢી ગામ તરફનો એપ્રોચ રોડ આગામી 10 ફેબ્રુઆરી 2027 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. આ સાથે જ બ્રિજની બંને બાજુના સર્વિસ રોડની કામગીરી આગામી ત્રણ દિવસમાં જ આરંભી દઈને તેને અગ્રિમતાના ધોરણે પૂર્ણ કરવાની લેખિત ખાતરી આપવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી અને રોજકામ દરમિયાન ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, સુરાલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ નરેશભાઈ મૈસુરી સહિતના અગ્રણીઓએ હાજર રહીને સહમતિ દર્શાવી હતી. લાંબા સમયથી વાહન વ્યવહાર બંધ હોવાથી મઢી અને આસપાસના વિસ્તારના વેપારીઓની આર્થિક કમર તૂટી ગઈ છે, જ્યારે બાલ્દા અને વાંસકૂઈ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને ખરીદી માટે બજારમાં આવવા લાંબો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો