ગુજરાત ટ્રાયબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી- ગાંધીનગર અને બી.આર.બી. આર્ટસ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજ બારડોલીના સંયુકત ઉપક્રમે કોલેજના આઈ.ક્યૂ.એ.સી., એન.એસ.એસ. અને એન.સી.સી. વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા વિષય પર એક દિવસીય મહાજાગૃતિ અભિયાનનું આયોજન શ્રીમદ્ રાજચંદ્ર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તજજ્ઞ વકતા સિકલ સેલ સ્પેશિયાલિસ્ટ ડો. જ્યોતિષ પટેલ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોને સિકલ સેલ એનિમિયાના લક્ષણો, નિદાન, સારવાર અને તેના નિવારણો અંગે ઉંડાણપૂર્વક વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રભુભાઈ વસાવાએ જપાવ્યું હતું કે, સિકલ સેલ એનિમિયા સામે લડવા માટે સામાજિક જાગૃતિ અત્યંત જરૂરી છે અને યુવાનો આ અભિયાનમાં અગ્રેસર બની સમાજને સ્વસ્થ રાખવામાં મોટું યોગદાન આપી શકે છે. ગુજરાત ટ્રાયબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના એકિઝક્યૂટીવ ડિરેકટર ડો. સી.સી. ચૌધરીએ પોતાના સંબોધનમાં આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ નિયંત્રણ માટે સરકાર અને સંસ્થાઓ દ્વારા ચાલતા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી. ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સી.ઈ.ઓ. ડો. દિનેશભાઈ શાહે શિક્ષણ અને અરોગ્ય ક્ષેત્રના સમન્વયથી સમાજ ઉત્થાન અંગે પ્રેરણાદાયી વિચાર રજૂ કર્યા હતા.કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ભાવિનભાઈ કે. પુરોહિતે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજના હિતમાં થતી રચનાત્મક પ્રવૃત્તિઓ અંગે ભૂમિકા સ્પષ્ટ કરી હતી.