અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં તાજેતરના રાઉન્ડ બાદ વરસાદે પોરો ખાધો છે. બીજી તરફ મેઘરાજાએ વિરામ લેતાં ખેડૂતો ખરીફ વાવેતરની માવજતમાં લાગ્યા છે. રાજ્ય હવામાન વિભાગનું માનીએ તો અરવલ્લી અને સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સળંગ આગામી અઠવાડિયું કોરુંધાકોર રહેવાની શક્યતા છે. આવતીકાલ તા.12 જુલાઇથી શરૂ કરીને તા. 18 જુલાઇ સુધીની વ્યક્ત કરવામાં આવેલી આગાહીમાં ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ થવાની સંભાવના નથી. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ વરસાદની ઘટ અનુભવી રહ્યા છે. તાજેતરમાં થયેલા વરસાદના રાઉન્ડ બાદ મેઘરાજા ગાયબ થઇ ગયા છે. આકાશમાં ઉઘાડ નીકળ્યો છે. ખેડૂતો મગફળી, કપાસ સહિતના ખરીફ પાકોની માવજતમાં લાગી ચૂક્યા છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદને લઇને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ખેડૂતોમાં અને નાગરિકોમાં પણ ચિંતાની લાગણી જોવા મળે છે. ગત વર્ષે નદી, નાળાં, તળાવો તેમજ જળાશયોમાં વરસાદી નીરની ભરપૂર આવક થઇ હતી ત્યાં આ વર્ષે મેઘરાજાને વિનવણીઓ કરવામાં આવી રહી છે. જળાશયોમાં નવાં નીરની આવક થઇ નથી. અરવલ્લી જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ જળસંગ્રહ મામલે જૈસે થે છે. તળાવો પણ ખાલીખમ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી અને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવાની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે તે નદીઓમાં પાણીનાં ખાબોચિયાં ભરેલાં જોવા મળે છે. આ દરમિયાન રાજ્ય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીએ ચિંતામાં વધારો કર્યો છે. રાજ્ય હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન મુજબ આવતીકાલ તા. 12 જુલાઇથી લઇને તા. 18 જુલાઇ સુધી સળંગ અઠવાડિયું કોરુંધાકોર રહેવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શકયતા નહિવત્ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. દક્ષિણ ગુજરાત અને રાજ્યના દરિયાકાંઠાના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સિવાયના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા નથી તેવું હવામાન વિભાગનું કહેવું છે. આ તરફ ખરીફ વાવેતર માટે આકાશી સિંચાઇ પર નિર્ભર ખેડૂતો પણ ગણતરીપૂર્વક આગળ વધી રહ્યા છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી પાછળ કરેલો ખર્ચે લેખે લાગશે કે કેમ ? તેવા વિચારોએ ધરતીપુત્રોને ઘેરી લીધા છે.
