બાયડ : અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાં ખેતરોમાં તસ્કરોના આંટાફેરા શરૂ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. દેરોલી, નાનપુરાના ખેતરમાં ખેડૂતના કૂવા પરથી મોટર, કેબલની ચોરીની ઘટના બની છે. સ્થાનિક ખેડૂત સોલંકી રૂપસિંહ જવાનસિંહના જણાવ્યા પ્રમાણે દેરોલી નાનપુરામાં તેમની ખેતીલાયક જમીન આવેલી છે. ગત તા.18ની રાત્રે તેમના ખેતરમાં તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાંથી એક મોટર, 300 ફૂટનો કેબલ અને 200 ફૂટ પાઇપ કાપીને તસ્કરો ચોરી ગયા હોવાની ઘટના બનતાં આસપાસના ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે. નાઇટ પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી પણ ખેડૂતોમાંથી માગણીઓ ઉઠી છે. આ અંગે ખેડૂત રૂપસિંહ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
