ધનસુરા તાલુકાના વડાગામમાં આકરુંદ ચોકડીએ ભયંકર ખાડા પડી જતાં વાહન-ચાલકો ત્રાહીમામ પોકારી ઊઠયા હતા. હાડકા ખોખરા કરી નાખે તેવા ખાડાના કારણે લોક રોષ ભભૂકી ઊઠયો હતો. આ મામલે સંદેશ દૈનિકે સવિસ્તાર અહેવાલ પ્રસિદ્વ કરતાં જિલ્લા માર્ગ-મકાન વિભાગે ગંભીર નોંધ લઈ યુદ્વના ધોરણે ખાડા પુરાણ કરી દીધું હતું. ખાડા પુરાણ થઈ જતાં વાહન-ચાલકોએ રાહત અનુભવી હતી. તંત્ર દ્વારા ચોમાસા બાદ ચોકડીથી લઈ સો-મિલ સુધી RCC રોડ બનાવવામાં આવે તેવી માગણી પણ આ પંથકની જનતા કરી રહી છે ત્યારે તંત્ર આ દિશામાં કામગીરી કરે તેવું જનતા ઈચ્છી રહી છે. વડાગામ-આકરુંદ ચોકડીએ વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે હાડકા ખોખરા થઈ જાય તેવા ખાડા પડી ગયા હતા. સમતળ માર્ગ કરવામાં નહીં આવતાં અનેક ઠેકાણે પાણી ભરાઈ રહે છે જેના કારણે દર વર્ષે માર્ગ ચિંથરેહાલ થઈ જાય છે. ચાલુ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ જતાં ઠેક-ઠેકાણે માર્ગ ઉપર ખાડા પડી ગયા હતા. જેના કારણે ટુ-વ્હીલર ચાલકોથી લઈ ફોર વ્હીલર ચાલકો હેરાન પરેશાન થઈ ઊઠયા હતા. હાડકા ખોખરા કરી નાખે તેવા ખાડાને લઈ જાનહાનિ સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે સંદેશ દૈનિકે વિગતવાર અહેવાલ પ્રસિદ્વ કરતાં જિલ્લાના માર્ગ-મકાન વિભાગે ગંભીર નોંધ લઈને યુદ્વના ધોરણે ખાડા પુરાણ કરી દીધું હતું. હાલના તબક્કે વાહન-ચાલકો અને લોકોને રાહત મળી છે પણ આવનારા સમયમાં દિવાળી આસપાસ આ માર્ગ RCC બનાવવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. સો-મિલ આગળ રહેણાંક મકાનનું પાણી બંધ કરવામાં આવે અને ત્યાં પણ સમતળ કરીને RCC રોડ બનાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જિલ્લા માર્ગ-મકાન વિભાગ ચોમાસા બાદ આ માર્ગનું નિરીક્ષણ કરી પાણી ભરાવવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે અને સંભવિત જાનહાનિ ટાળે તે અનિવાર્ય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો