અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે માલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને રૂ.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ માલપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાતરડા ગામની સીમમાં સોમપુર ચોકડી નજીક બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક સફેદ રંગની સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને કંથારીયા, મેઘરજ, માલપુર અને સોમપુર ચોકડી થઈને ધનસુરા તરફ્ લઇ જવાઈ રહ્યો છે. આ દારૂ ભરેલી કારનું પાયલોટીંગ સફેદ રંગની કાર કરી રહી છે.
આ બાતમીના આધારે જિલ્લા પોલીસની ટીમે સોમપુર ચોકડીથી ધનસુરા જતા રોડ પર નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન આગળ ચાલતી પાયલોટીંગ કારને રોકી તેમાં સવાર ચાર ઈસમોને કોર્ડન કરીને ઝડપી લીધા હતા.
જ્યારે પાછળ આવતી દારૂ ભરેલી સ્વીફ્ટ કારને રોકવા માટે સરકારી વાહનની આડસ મુકતા તેના ચાલકે કાર થોડે દૂર ઉભી રાખી અંધારાનો લાભ લઈને સાગરીત સાથે ફરાર થઈ ગયો હતો.
પોલીસે કુલ રૂ.13,02,185નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં કારની તલાશી લેતા તેમાંથી રૂ.2,62,185ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.10 લાખની કિંમતની બે કાર અને રૂ.40 હજારની કિંમતના 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો