એલસીબીની ટીમે ત્રણેક દિવસ અગાઉ ડુગરવાડા ચોકડી પાસે નાસ્તાની લારી પર બેઠેલી વ્યક્તિના હાથમાં પહેરેલું ચાંદીનું કડું ચોરનારા બે શખ્સોને મોડાસાના ચાંદટેકરી નજીકથી ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ રણજીતનાથ વિચ્છુનાથ મદારી (ઉં.વ. 30), ધારાનાથ ધનાનાથ પરમાર (ઉં.વ. 30) (બંને રહે. ગણેશપુરા, તા. દહેગામ, જિ. ગાંધીનગર) હોવાનું ખુલ્યું હતું. રણજીતનાથ પાસેથી રૂ.30 હજારનું 119 ગ્રામ વજનનું ચાંદીનું કડું મળી આવ્યું હતું. જે તેમણે ડુગરવાડા ચોકડીએ આવેલી લારી પરથી ચોરી કર્યું હતું. રણજીતનાથ મદારી વિરૂદ્ધ અગાઉ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત ચારેક દિવસ અગાઉ મોડાસાના માલપુર રોડ પર ફોરમ સ્વર્ણીમ રેસીડન્સીમાં નવા બનતા મકાનમાંથી કેબલ વાયર અને મશીનો ચોરનારા શખ્સોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ પાસેના પુલ પરથી ચોરીના સામાન સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ રિયાજખાન સલીમખાન પઠાણ (રહે. ગરીબનવાજ સોસાયટી, મક્કા મસ્જિદની પાછળ, ડુગરવાડા રોડ, મોડાસા, જિ. અરવલ્લી), મોહમદફરદીન મોહમદરફીક દિવાન (રહે. ડુગરવાડા ચોકડી, મોડાસા, જિ. અરવલ્લી) પાસેથી સળગાવીને ભેગા કરેલા કોપર વાયરના ગૂંચડા, ટાઈલ્સ કાપવાના 3 કટીંગ મશીન, ગ્રાઈન્ડર મશીન મળી આવ્યા હતા. રિયાજખાન પઠાણ અગાઉ પણ મોડાસા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓએ નદીમ નામના શખ્સ સાથે મળી ચોરી કરી હતી. પોલીસે રૂ.26,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. વોન્ટેડ આરોપી નદીમને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
