અરવલ્લી જિલ્લામાંથી પસાર થનારા હાઇસ્પીડ રોડ કોરીડોર માટે રૂ.283 કરોડથી વધુની રકમની વહીવટી મંજૂરી મળ્યા બાદ સર્વે સહિતની વિવિધ કામગીરી જારી છે. જેમાં દહેગામ- બાયડ સ્ટેટ હાઇવે પર ભુડાસણથી બાયડ સુધીનો સ્ટેટ હાઇવે ફોરલેન બનવાનો છે. આ માટે હયાત માર્ગ પહોળો કરવામાં આવનાર છે. જે માટે માર્ગની બંન્ને તરફ નડતરરૂપ વૃક્ષોના સર્વે અને માર્કિંગની કામગીરી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જેમાં માર્ગની બંન્ને તરફ અંદાજે 3243 વૃક્ષોનું માર્કિંગ કરવામાં આવ્યું હોવાનું સામાજિક વનીકરણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ત્યારે 25 કિમીનો ફોરલેન હાઇવે 3200થી વધુ વૃક્ષોનો ભોગ લેશે તેવી શક્યતાઓ છે. આમ વિકાસની કિંમત વૃક્ષોનું નિકંદન કાઢીને વસૂલ કરવામાં આવે તેવો ઘાટ ઘડાયો હોવાનું પર્યાવરણપ્રેમીઓમાં ચર્ચાઇ રહ્યું છે. એક તરફ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના નારા લગાવવામાં આવે છે. પર્યાવરણ દિવસની ઉજવણીના નામે મોટા મોટા તાયફાઓ કરવામાં આવે છે અને લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. એટલું જ નહીં, માર્ગોની બંન્ને તરફ લહેરાતા હરિયાળા વૃક્ષોના જતનની દુહાઇ દેવામાં આવે છે. ત્યારે બીજી તરફ માર્ગોના વિકાસના નામે પર્યાવરણનો ખો કાઢી નાંખવામાં આવે ત્યાં સરકારી વિભાગો દ્વારા પોકારવામાં આવતા પર્યાવરણ દિવસની ઉજવણીના નારા કેટલા બોદા અને પોકળ છે તેની પોલ ખુદ સરકારી વિભાગો જ ખોલી નાખતા હોય છે. સુત્રો મુજબ અરવલ્લી જિલ્લામાં બાયડના ભુડાસણથી બાયડ શહેર સુધીના વિસ્તારમાં વિકાસના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ફોરલેન સ્ટેટ હાઈવેની કામગીરી માટે વહીવટી અને સંબંધિત વિભાગીય પ્રક્રિયાઓ વેગવાન બની છે. ભુડાસણથી બાયડ એસટી બસ ડેપો ત્રણ રસ્તા સુધીના સૂચિત ફોરલેન સ્ટેટ હાઈવે માર્ગ પર આવતા કેટલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થનારું છે. આ સમગ્ર માર્ગની બંને બાજુએ આવેલા વૃક્ષોની ગણતરી અને માર્કિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને કામને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું છે. સુત્રો મુજબ ભુડાસણથી બાયડ એસટી બસ ડેપો ત્રણ રસ્તા સુધી બનનારા આ ફોરલેન હાઈવે પ્રોજેક્ટમાં માર્ગ પહોળો કરવા માટે વૃક્ષોનું છેદન કરવું અનિવાર્ય હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ માર્ગની ડાબી અને જમણી એમ બંને બાજુએ આવેલા વૃક્ષોનું સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. સર્વે બાદ પ્રાથમિક અંદાજ મુજબ હાઈવેની જમણી બાજુએ આશરે 1607ની આસપાસ અને ડાબી બાજુએ પણ આશરે 1636ની આસપાસ મળીને કુલ અંદાજે 3243 જેટલા વૃક્ષો આ સર્વેક્ષણ કામગીરીમાં આવરી લેવામાં આવ્યા છે. સંબંધિત તંત્ર દ્વારા આ તમામ વૃક્ષો પર માર્કિંગ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. માર્કિંગ પૂર્ણ થયા બાદ આ દરખાસ્ત ઉચ્ચ કક્ષાએ મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે. સંબંધિત વિભાગ તરફ્થી માર્કિંગ સહિતની વૃક્ષછેદનની કાર્યવાહીને સત્તાવાર રીતે મંજૂરી મળ્યા બાદ નિયમાનુસાર આ વૃક્ષોની જાહેર હરાજી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, બાયડથી દહેગામ અને ગાંધીનગર તેમજ અમદાવાદ તરફ્ અવરજવર કરતા વાહનચાલકો અને સ્થાનિકો માટે આ નવો બનનારો ફોરલેન હાઈવે ભવિષ્યમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો