સાઠંબા તાલુકાના આમોદરા ગામે એક ખેતરમાં વિશાળકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ચોમાસાની ઋતુ વિધિવત રીતે બેસતાની સાથે જ નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક વધી છે. જેના કારણે વન્ય જળચર પ્રાણીઓના કુદરતી રહેઠાણોમાં પાણી ભરાઈ જાય છે. આ પરિસ્થિતિમાં આવા જળચર પ્રાણીઓ અવારનવાર માનવ વસાહતો, રહેઠાણ વિસ્તારો અને ખેતરો તરફ્ સ્થળાંતર કરતાં જોવા મળે છે. વન્ય જીવો પ્રત્યે સ્થાનિક જનતામાં જરૂરી જાગૃતતાનો અભાવ હોવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઘણીવાર ભયનું વાતાવરણ ઊભું થાય છે. આવી જ એક ઘટનામાં તા. 6 જુલાઈના રોજ આમોદરા ગામના સ્થાનિક ખેડૂત રણજીતસિંહ પ્રભાતસિંહ સોલંકીના ખેતરમાં એક મોટો મગર આવી ચડયો હતો. ખેતરમાં અચાનક મગરને ફરતો જોઈને ખેડૂત અને તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. ખેડૂતે તરત જ સમયસૂચકતા વાપરીને આ અંગે વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ્ એન્ડ નેચર કંજર્વેશન ટ્રસ્ટ (અરવલ્લી, મહીસાગર)નો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓ અને વન વિભાગના કર્મચારીઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમણે ભારે જહેમત બાદ અંદાજિત 6 ફૂટ લાંબા મગરનું કુશળતાપૂર્વક સફ્ળ રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ આ મગરને સલામત રીતે તેના કુદરતી નિવાસ વિસ્તારમાં મુક્ત કરવામાં આવતાં જ આમોદરા ગામના ખેડૂતો અને સ્થાનિક રહીશોએ રાહત અનુભવી હાશકારાનો શ્વાસ લીધો હતો.
