અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનારા આરોપીને ટાઉન પોલીસે દાનપેટીમાંની રોકડ રકમ, મોબાઇલ ફોન, ચોરીમાં ઉપયોગમાં લીધેલી બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોડાસા ટાઉન પોલીસ મથકનો સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે ચાર રસ્તા ચોકી ખાતે એક બાઇક ચાલક ડીપ વિસ્તારમાંથી માલપુર રોડ તરફ જઇ રહ્યો હતો. તેની બાઇકની ડીકી ઉપર એક થેલી રાખેલી હતી. પોલીસને શંકા જતાં બાઇકચાલકને અટકાવી થેલીની તપાસ કરતાં અંદરથી પૈસા નાખવાની પેટી મળી આવી હતી. જેની ઉપર દાનપેટી લખેલું હતું. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં આરોપીએ ડીપ વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી ભરતસિંહ નિકેશસિંહ સોલંકી (રહે. લચ્છાઇ, તા.મોડાસા, જિ. અરવલ્લી) પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી બાઇક ઉપરાંત મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે દાનપેટીમાંની રોકડ રકમ રૂ. 6894, રૂ.15 હજારની કિંમતની બાઇક અને પાંચ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 26894નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
