સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે થયેલા શંકાસ્પદ મોતના કેસોને પગલે અરવલ્લી જિલ્લાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. જિલ્લામાં સંભવિત ખતરાને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ સાથે યુદ્ધના ધોરણે ડસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અરવલ્લી સીડીએચઓ ડો. જયેશ પરમાર, એપેડેમિક ઓફિસર ડો. આશિષ ખાંટના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. આ માખી સામાન્ય માખી કરતાં કદમાં ચાર ગણી નાની હોય છે અને તે ભેજવાળા વાતાવરણમાં, દીવાલોની તિરાડો તેમજ ગ્રામ્ય વિસ્તારના ગાર-લીંપણવાળા ઘરોના છિદ્રોમાં ઇંડા મૂકે છે. આ વાયરસ ખાસ કરીને 0થી 14 વર્ષના બાળકોને પોતાનો ભોગ બનાવે છે. કારણ કે તેમનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ વાયરસના લક્ષણોમાં બાળકને અચાનક તીવ્ર તાવ આવવો, ઉલટી થવી, માથાનો અસહ્ય દુખાવો, બેચેની થવી અને ગંભીર કિસ્સાઓમાં મગજનો સોજો થવાનો ખતરો રહે છે. આરોગ્ય તંત્ર દ્વારા તમામ ખાનગી પીડિયાટ્રિશિયન (બાળ રોગ નિષ્ણાતો) સાથે પણ બેઠકો યોજીને આવા કોઈ પણ લક્ષણો ધરાવતા બાળકો મળે તો તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુ સારવાર માટે રીફર કરવા સુચના અપાઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, ચોમાસા દરમિયાન ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું, ટાયર, કુલર કે બોટલોની સફાઈ રાખવી, રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને સાંજના સમયે બાળકોને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવવા સૂચન કરાયાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો