અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ અન્વયે જિલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શામળાજી પોલીસ મથક વિસ્તારમાં તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. બે હોટેલ સંચાલકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસની તપાસ દરમિયાન શામળાજીથી રતનપુર જતા હાઈ-વે પર આવેલા નવા વેણપુર ગામે હસન મુરાબાદી હોટેલ-ઢાબાના સંચાલક જાવેદ અહેશાનખાન (ઉં.વ.31, રહે. હસન મુરાબાદી ચીકન બીરીયાની હોટલ, જુની આરટીઓ પાસે, વેણપુર, તા. શામળાજી, જિ. અરવલ્લી, મૂળ રહે. મીરાપુર મીરગંજ, તા. સુવાર, જિ. રામપુર, ઉત્તર પ્રદેશ) દ્વારા પોતાની હોટેલમાં સીસીટીવી કેમેરા ન લગાડીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલો જણાઈ આવ્યો હતો. જ્યારે અન્ય એક તપાસમાં આશ્રામ ચોકડીથી શામળાજી તરફ્ રૂદરડી ગામે હાઈ-વે ઉપર આવેલ શ્રી ક્રિષ્ણા કાઠીયાવાડી પંજાબી હોટેલના સંચાલક કિશોર દેવીલાલ દરજી (ઉં.વ.39, રહે. શ્રી કિષ્ણા કાઠીયાવાડી પંજાબી હોટલ, આશ્રામ ચોકડી નજીક, રૂદરડી ગામ પાસે, તા. શામળાજી. જિ. અરવલ્લી, મૂળ રહે. દરજી મોહલ્લા, તા. સરાડા, જિ. સલુમ્બર, રાજસ્થાન) દ્વારા હોટેલમાં કામ કરતા કામદારોનું નિયત નમૂના મુજબનું યોગ્ય રજીસ્ટર ન નિભાવીને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
