અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પર ભારે વાહનોની અવર-જવર અને ટ્રાફ્કિની સમસ્યાને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા સ્ટેટ હાઈ-વે-59 (મોડાસા-ધનસુરા-બાયડ-નડિયાદ) પર ભારે વાહનોના પ્રવેશ પર આગામી બે મહિના માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા વહીવટી અને શૈક્ષણિક કેન્દ્ર હોવાથી સરકારી કચેરીઓ અને શહેરી વિકાસના કારણે ટ્રાફ્કિની ગીચતા સતત વધી રહી છે. રાજસ્થાન રાજ્યને સરહદ સ્પર્શતી હોવાથી પરપ્રાંતિય વાહનોનો ટ્રાફિક પણ વધ્યો છે. વડોદરા-મુંબઈ તરફ્ જતા વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે એસએચ-5 (ગોધરા રૂટ)ને બદલે એસએચ-59 હાઈ-વેનો વધુ ઉપયોગ કરતા હોઇ અહીં ભારે ટ્રાફ્કિ રહે છે અને અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. આ સમસ્યાને ધ્યાને લઇને અગાઉ પણ આ હાઇવે પરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેને લંબાવવામાં આવ્યું છે. જે મુજબ ભારે વાહનો તા. 08 નવેમ્બર 2026થી તા.06 જાન્યુઆરી 2027 સુધી દરરોજ સવારના 08:00 કલાકથી રાત્રિના 08:00 કલાક સુધી એસએચ-59, મોડાસા-ધનસુરા-બાયડ-નડિયાદ હાઈ-વે પર અવર-જવર કરી શકશે નહીં. પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો સરળતાથી અવર-જવર કરી શકે તે માટે વૈકલ્પિક માર્ગ તરીકે ફોરલેન સ્ટેટ હાઈ વે-05, મોડાસા-માલપુર-લુણાવાડા-ગોધરા અથવા નેશનલ હાઈ-વે નં.48, શામળાજી-હિંમતનગર-ચીલોડાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવા માટે સંબંધિત પોલીસ અને વહીવટી અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો