અરવલ્લી જિલ્લાની ભાજપ શાસિત બાયડ નગરપાલિકાના વોર્ડ નંબર-3ની ખાલી પડેલી એક બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશભાઈ એમ પરમારે ભવ્ય વિજય મેળવીને બેઠક જાળવી રાખી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. જેમાં આજે યોજાયેલી મતગણતરીના અંતે ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર મુકેશકુમાર એમ મકવાણાને 569 મતોના અંતરથી પરાજય આપ્યો હતો. બાયડ નગરપાલિકાની પાંચેક માસ અગાઉ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે 24માંથી 24 બેઠકો મેળવી પુનઃ સત્તા પ્રાપ્ત કરી હતી. જો કે સામાન્ય ચૂંટણી યોજાયાના થોડા સમય બાદ વોર્ડ નં.3ના ભાજપના સભ્યએ અંગત કારણોસર રાજીનામું આપી દેતાં બેઠક ખાલી પડી હતી. જે માટે ગત તા.11 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાઇ હતી. ભાજપમાંથી મહેશભાઇ એમ પરમાર અને કોંગ્રેસમાંથી મુકેશકુમાર એમ મકવાણા ચૂંટણી જંગના મેદાનમાં હતા. ગત તા. 11મીએ યોજાયેલી પેટાચૂંટણીમાં વોર્ડ નં.3ના ત્રણેય બુથ પરથી સરેરાશ 58.26 ટકા મતદાન થયું હતું. કુલ 1828 પૈકી 1065 મતદારોએ મતદાન કર્યું હતું. પેટાચૂંટણીના જંગમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો હતો. અનુસૂચિત જાતિ અનામત બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા જામી હતી. મતદાન યોજાયા બાદ ભાજપ બેઠક જાળવી રાખશે તેવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. આજે સવારે યોજાયેલી મતગણતરી બાદ તે સાચા પડયા હતા. સવારે 9:00 કલાકે બાયડ પ્રાંત કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇવીએમ મશીન ખૂલ્યા બાદ થોડી વારમાં જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવારનો 569 મતની સરસાઇથી વિજય થયો હતો. ભાજપને 799 જ્યારે કોંગ્રેસને માત્ર 230 મત જ મળ્યા હતા. નોટામાં 36 મત પડયા હતા. આમ ભાજપે પોતાની બેઠક જાળવી રાખી હતી. આજે જાહેર થયેલા પરિણામ બાદ ફરીથી ભાજપનો પાલિકામાં સભ્યસંખ્યાનો આંકડો 24એ પહોંચ્યો છે. કોંગ્રેસ અગાઉ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પણ પોતાનું ખાતું ખોલાવવામાં સફળ રહી ન હતી. આજે પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ વધુ એક વખત નિષ્ફળ પુરવાર થઇ હતી. વિરોધપક્ષ તરીકે લોકોનો વિશ્વાસ જીતવામાં પણ કોંગ્રેસ સદંતર ફેઇલ થઇ ગયાનું ચિત્ર આજે જાહેર થયેલા પરિણામ બાદ ઉપસ્યું હતું. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ અને ખુશીની લહેર દોડી ગઈ હતી. ત્રણેય બૂથના કુલ મતોની ગણતરીના અંતે ભાજપના ઉમેદવારને કુલ 799 મત અને કોંગ્રેસના ઉમેદવારને કુલ 230 મત મળ્યા હતા. પેટાચૂંટણીમાં કુલ 36 મતો નોટાને મળ્યા હતા.
