અરવલ્લી તેમજ ખેડા જિલ્લામાંથી પસાર થતા મોડાસા-નડિયાદ હાઈ-વે પર ભારે ટ્રાફિકના કારણે અકસ્માતોના બનાવોનું પ્રમાણ પણ વધ્યું છે. અહીં અન્ય રાજ્યોમાંથી આવતાં ગુડ્ઝ વાહનોની સંખ્યા વધી ગઇ છે. આ હાઇ-વે પર દર બીજા-ત્રીજા દિવસે અકસ્માતો સર્જાતા હોય છે. ભારે ટ્રાફિકના કારણે આ હાઇ-વે પર આવતા ગામોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભરબજાર વચ્ચે લોકોની ભીડમાંથી પસાર થતા ટ્રકચાલકો બ્રેક મારવા સુદ્ધાં તૈયાર નથી. આ ગામોમાં ટ્રાફિકમાં થઇને હાઇ-વેની એક તરફથી બીજી તરફ જવું હોય તો વિચારીને જવું પડે તેવી સ્થિતિ છે. જો રસ્તા પર પડી જાવ તો ટ્રેલરોનાં તોતિંગ ટાયરથી બચવું અશક્ય છે તેવું લોકોનું કહેવું છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માગણીઓ ઉઠી છે. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા માર્ગો વાહનચાલકો માટે લોહિયાળ સાબિત થઈ રહ્યા છે. જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી તેવું માર્ગ અકસ્માતોના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. જિલ્લામાં લોકજાગૃતિના અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો છતાં અકસ્માતોના બનાવોમાં જીવ ગુમાવનારા નિર્દોષ વાહનચાલકોના આંકડાઓ ખરેખર હૃદયદ્રાવક અને ચિંતાજનક છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે 2026ની શરૂઆતથી એટલે કે તા.1 જાન્યુઆરીથી લઈને તા.30 સપ્ટેમ્બર સુધીના માત્ર નવ જ મહિનાના સમયગાળામાં કુલ 200 જેટલા ગંભીર માર્ગ અકસ્માતો સર્જાયા હતા. આ નવ મહિનાના ટૂંકા ગાળામાં માર્ગ અકસ્માતોમાં 126 જેટલા નાગરિકોએ કાળનો ભોગ બનવું પડયું હતું. સુત્રો મુજબ વાહનચાલકોમાં ધીરજ રહી નથી. વેગનો અતિરેક તેમને મોતના મુખમાં ધકેલી રહ્યો છે. જિલ્લાના સ્ટેટ હાઈ-વે હોય કે નેશનલ હાઈ-વે અથવા ગ્રામ્ય વિસ્તારોને જોડતા આંતરિક રસ્તાઓ હોય, દરેક માર્ગો પર બેફામ ઝડપે દોડતા વાહનો સામાન્ય માણસની તેમજ નિર્દોષ વાહનચાલકોની જિંદગી માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. વાહનચાલકોની ક્ષુલ્લક બેદરકારી, ઓવરસ્પીડિંગ એટલે અતિશય ઝડપ, ટ્રાફ્કિના નિયમો પ્રત્યેની ઉદાસીનતા અને હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવાની ઘોર બેદરકારી અકસ્માતોનું પ્રમાણ દિનપ્રતિદિન વધારી રહી હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. ક્યારેક વાહનચાલક પોતે તો ક્યારેક સામેથી આવતા બેકાબૂ વાહનની ભૂલને કારણે હસતા-રમતા પરિવારો પળભરમાં વેરવિખેર થઈ જાય છે. દરેક માર્ગ અકસ્માતમાં હોમાતી જિંદગીઓથી પરિવારો વિખેરાઇ જતા હોય છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારી 126 વ્યક્તિઓમાં અનેક પરિવારો એવા છે કે જેમણે પોતાના ઘરના એકમાત્ર કમાતા મોભી ગુમાવ્યા છે. અચાનક સર્જાયેલા અકસ્માતમાં વ્હાલા સ્વજનને ગુમાવી દેવાના આઘાતથી અનેક પરિવારો પર આભ તૂટી પડયું હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. હોસ્પિટલોના રેકોર્ડ અને પોલીસ ચોપડે નોંધાતા આંકડાઓ દર્શાવે છે કે જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં મોતના આંકડા સતત વધી રહ્યા છે. છતાં હજુ સુધી વાહનચાલકો દ્વારા પૂરતી ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાની હૈયાવરાળ જિલ્લાવાસીઓ ઠાલવી રહ્યા છે. માર્ગ અકસ્માતોના વધતા જતા આંકડાઓને પગલે સ્થાનિક પ્રજાજનો અને જાગૃત નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. પુરપાટ ઝડપે દોડતા ડમ્પર, ટ્રકો અને ખાનગી લક્ઝરી બસો પર લગામ કસવાની માગણીઓ ઉઠી રહી છે. માર્ગ અકસ્માતોના બ્લેક સ્પોટ્સ પર સ્પીડ બ્રેકર્સ, સાઈન બોર્ડ જેવી સુવિધાઓ ઉભી કરવાની માગણીઓ ઉઠી રહી છે. અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવો અટકાવવા કડક પગલાં ભરવાની તાતી જરૂર હોવાનું જિલ્લાવાસીઓનું માનવું છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ઓવરસ્પીડીંગ અને ટ્રાફ્કિના નિયમોના ભંગ બદલ માર્ગો પર સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી માગણીઓ ઉઠી રહી છે.
