અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં આકરુંદ ચોકડીએ જીવલેણ ખાડા ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. ચોકડીથી લઈ છેક મસ્જિદ સુધી માર્ગ બિસમાર બની ગયો છે. વર્ષો જૂની ખાડા પડવાની આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ આંખ મીચામણા કરતા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે. માર્ગ ઉપર બંને બાજુથી રહેણાંકનું બેફામ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે માર્ગનું ધનોતપનોત નીકળી ગયું છે. બેફામ પાણી છોડનારાઓ સામે પંચાયત યુદ્વન ધોરણે કડક કાર્યવાહી કરે તેવું વાહન-ચાલકો ઈચ્છી રહ્યા છે. આ માર્ગને RCC બનાવવા માટે વર્ષોથી માગણી કરવામાં આવી રહી છે પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. હવે વાહન-ચાલકોથી લઈ લોકોની ધીરજ ખૂટી રહી છે અને આગામી સમયમાં આ મામલે આંદોલનનું રણશિંગૂં ફૂંકાશે તેવા ભણકારા વાગી રહ્યા છે.

વડાગામ-આકરુંદ ચોકડીથી લઈ છેક મસ્જિદ સુધી અંદાજે અડધો કિલોમીટરનો માર્ગ ખાડા રાજમાં તબદીલ થઈ ચૂક્યો છે. ચોમાસામાં ખાડા પડયા હતા અને ત્યાં તંત્રએ પૂરાણ કરી સંતોષ માન્યો હતો. આ માર્ગ ઉપર સો-મિલથી આગળ રહેણાંકનું બેફામ પાણી છોડવામાં આવતાં મસમોટા ખાડા પડી ગયા છે અને વાહન-ચાલકોને ત્યાંથી નીકળતા નાકે દમ આવી રહ્યો છે. ટુ-વ્હીલર સ્લીપ થવાના બનાવ વધી રહ્યા છે તો કાર અને ઈકો જેવી ગાડીઓના ચાલકો પણ તોબા પોકારી ઊઠયા છે. માર્ગની બંને બાજુથી રહેણાંકનું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે માર્ગ ખાડા રાજમાં ફેરવાઈ ચૂક્યો છે. પંચાયત સત્તાવાળા આ મામલે બેફામ પાણી છોડનારા મકાન માલિકો સામે કડક કાર્યવાહી કરી પાણી બંધ કરે તે જરૂરી બન્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. ચોકડીથી મસ્જિદ સુધીનો માર્ગ સમતળ નથી, માર્ગની બંને બાજુ ઊંચી કરી દેવામાં આવી છે અને માર્ગ નીચાણમાં આવી જતાં પાણીનો નિકાલ થઈ શક્તો નથી. આ માર્ગને ઇઝ્રઝ્ર કરવામાં આવે તો જ કાયમી સમસ્યામાંથી મૂક્તિ મળી શકે તેમ છે. જો કે, જિલ્લા માર્ગ-મકાન વિભાગની આંખે અંધાપો આવ્યો હોય તેમ ખાડા પડે એટલે માત્ર પૂરાણ કરી સંતોષ માની રહ્યો છે. જેના કારણે વર્ષો જૂની સમસ્યાનો કોઈ અંત આવતો નથી. હવે લોકોની ધીરજ ખૂટી રહી છે અને આ મામલે આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવી શકે છે. કહેવાતા પ્રજાના સેવકો પણ આ ગંભીર સમસ્યાને નજર અંદાજ કરી રહ્યા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે. ચૂંટણી આવે એટલે મત માગવા દોડતા લોક સેવકો ક્યાંય ડોકાતા નથી. વિકાસના નામે હવાહવાઈ કરતા લોક સેવકો એકાદ વાર આ ભંગાર માર્ગની મુલાકાત લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.