સમગ્ર જિલ્લામાં આજે વાઘબારસથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે દિવાળીના પાવન પર્વના દિવસોમાં લોકોમાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહ વધી જતો હોય છે. ત્યારે સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારોના દિવસોમાં ઇમરજન્સીના કેસોનું પ્રમાણ પણ વધી જતું હોય છે. દિવાળીના તહેવારો દરમિયાન અરવલ્લી જિલ્લામાં કોઈપણ બનાવ કે ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી સેવા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોની ખુશીઓ વચ્ચે નાગરિકોની સુરક્ષા અને આરોગ્ય જળવાઈ રહે તે માટે જિલ્લાની તમામ 20 જેટલી એમ્બ્યુલન્સો અને તેમાં તૈનાત કર્મચારીઓના સ્ટાફ્ને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ખડેપગે રહેવા સુચના જારી કરવામાં આવી છે. આ દરમિયાન 108 ઇમરજન્સી તરફથી આકસ્મિક કેસોને લઇને આગાહી જારી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે બેસતા વર્ષના દિવસે કેસોમાં સૌથી વધુ 104.41 ટકા ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા 108 ઇમરજન્સી સેવાના દુષ્યંત પંડયાના જણાવ્યા પ્રમાણે સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોનું પ્રમાણ વધી જતું હોય છે. દિવાળીના દિવસોમાં ધૂમ ફ્ટાકડા ફૂટતા હોય છે. આ સિવાય લોકો ફરસાણ અને મીઠાઈઓ વધુ પ્રમાણમાં આરોગતા હોય છે. તદ્ઉપરાંત દિવાળીના તહેવારોમાં લોકો બહાર ફરવા જવા નીકળી પડતા હોય છે. જેથી માર્ગો પર વાહનોનો ટ્રાફિક વધી જતો હોય છે. પરિણામે હરવા-ફરવાના કારણે અકસ્માતોના તેમજ ખાસ કરીને પેટના અને શ્વસનતંત્રને લગતી બીમારીના કેસોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળતો હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે. ઇમરજન્સીમાં તાત્કાલિક ધોરણે મેડિકલ સહાય દર્દી સુધી પહોંચાડી શકાય તે માટે આયોજન કરાયું છે. જિલ્લામાં સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારોના દિવસોમાં ઇમરજન્સી કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોય છે. 108 સેવાના સત્તાવાર આંકડાઓ મુજબ અરવલ્લી જિલ્લામાં સામાન્ય દિવસોમાં રોજના સરેરાશ 68 ઇમરજન્સી કેસો સામે આવતા હોય છે. પરંતુ તહેવારોની મોસમ શરૂ થતાં જ આ આંકડાઓમાં મોટો ઉછાળો આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દિવાળીએ તા.08 નવેમ્બર 2026ના દિવસે ઇમરજન્સી કેસો વધીને આશરે 109 આસપાસ રહેવાનું અનુમાન છે. જે સામાન્ય દિવસો કરતા આશરે 60.29 ટકાનો મોટો વધારો દર્શાવે છે. આ ઉપરાંત નવા વર્ષના દિવસે તા.10 નવેમ્બર 2026ના રોજ લોકોની અવરજવર અને તહેવારના માહોલને કારણે કેસોની સંખ્યા વધીને 139 સુધી પહોંચી શકે છે. જે સામાન્ય દિવસોની સરખામણીએ અંદાજે 104.41 ટકાનો જંગી ઉછાળો સૂચવે છે. ત્યાર બાદ ભાઈ બીજે તા.11 નવેમ્બર 2026ના રોજ પણ તહેવારોની રોનક વચ્ચે કેસોની સંખ્યા અંદાજે 102 આસપાસ રહેવાની શક્યતા છે. જે પણ સામાન્ય દિવસો કરતાં 50 ટકા વધુ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તહેવારોના દિવસોમાં કોઈપણ પ્રકારનો અઘટિત બનાવ કે ગંભીર ઈજાના સમયે પીડિતને સમયસર ગોલ્ડન અવરમાં સારવાર મળી રહે તે માટે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સોનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં હાલમાં ઉપલબ્ધ કુલ 20 એમ્બ્યુલન્સોના ડ્રાઇવરો અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનો (ઈએમટી)ના રોટેશન ગોઠવીને તેમને સતત ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. ઇમરજન્સીનો કોલ મળતાની સાથે મિનિટોમાં જ વાહન ઘટનાસ્થળે પહોંચી શકે તે માટે જિલ્લા મથક, તાલુકા મથકો અને હાઇવે પર પણ એમ્બ્યુલન્સોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કંટ્રોલ રૂમ દ્વારા પણ આ તમામ એમ્બ્યુલન્સોના લોકેશન અને મૂવમેન્ટ પર સતત 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. ફ્ટાકડા ફોડતી વખતે બાળકોની ખાસ કાળજી રાખવા, આગ કે દાઝી જવાના કેસોથી બચવા સૂતરાઉ કપડાં પહેરવા અને પ્રાથમિક ઉપચાર માટે ર્ફ્સ્ટ એઈડ બોક્સ તૈયાર રાખવા તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે. જિલ્લાવાસીઓ તહેવારોમાં ખાણી-પીણીમાં સંયમ રાખે તેમજ વાહન ચલાવતી વખતે ટ્રાફ્કિના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે પણ એટલું જ જરૂરી છે.