અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ મથકની હદમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ અને ચપ્પલનું ગેરકાયદેસર વેચાણ કરતા બે વેપારીઓ ઝડપાયા છે.
મોડાસા ટાઉન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ કંપનીના અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોડાસા શહેરમાં કેટલાક દુકાનદારો બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ફૂટવેરનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે જિલ્લા પોલીસે મોડાસાની બે અલગ-અલગ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ રેડ મોડાસા ચાર રસ્તા પાસે પૂર્ણીમા હોટલની સામે આવેલી ગલીમાં મી શુઝ નામની દુકાનમાં કરવામાં આવી હતી. જ્યાંથી દુકાનદાર પ્રદિપ કેસાભાઇ થોરી (ઉ.વ. 28, રહે. સર્વોદયનગર ડુંગરી, તા. મોડાસા. જિ. અરવલ્લી) હાજર મળી આવ્યો હતો. તેની દુકાનમાંથી રૂ.1.70 લાખની કિંમતના 170 જોડી ડુપ્લીકેટ શુઝ અને ચપ્પલ મળી આવ્યા હતા. જ્યારે બીજી રેડ ગણેશપુર હજીરા વિસ્તારમાં શાન્તમ 11 કોમ્પ્લેક્ષ ખાતે આવેલી બુલેટ નામની દુકાનમાં કરવામાં આવી હતી. ત્યાંથી દુકાનદાર ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ (ઉ.વ.47, રહે. મહાદેવગ્રામ, તા. મોડાસા. જિ. અરવલ્લી) પાસેથી રૂ.95,000ની કિંમતના 95 જોડી નકલી શુઝ-ચપ્પલ મળી આવ્યા હતા. પોલીસે બંને સ્થળેથી રૂ.2,65,000ની કિંમતનો કુલ 265 જોડી ડુપ્લીકેટ મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મોડાસા ટાઉન પોલીસે બંને આરોપીઓ પ્રદિપ કેસાભાઇ થોરી (ઉ.વ. 28, રહે. સર્વોદયનગર ડુંગરી, તા. મોડાસા. જિ. અરવલ્લી), ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ (ઉ.વ.47, રહે. મહાદેવગ્રામ, તા. મોડાસા. જિ. અરવલ્લી) વિરૂદ્ધ ધી કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.










