અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે વ્યાજખોરી આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોડાસામાં વ્યાજખોરીનો ભોગ બનેલા ફરિયાદીને પોલીસે મિલકતના દસ્તાવેજ પરત અપાવ્યા હતા. ઘટનાની વિગત મુજબ ફરિયાદીએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અંગે જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી. જેના આધારે મોડાસા ટાઉન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીઓ વિજય ઓધારભાઈ દેસાઈ (રહે. સબલપુર, તા. મોડાસા, જિ. અરવલ્લી), નિકુલ સાંકાભાઈ રબારી (રહે. તા. ધનસુરા, જિ. અરવલ્લી)એ ફરિયાદી પાસેથી રૂ. 16 લાખના વ્યાજ તથા મુદ્દલ તેમજ પેનલ્ટીના નામે અત્યાર સુધીમાં રૂ. 91 લાખની રકમ વ્યાજ પેટે વસૂલી હતી. તેમ છતાં આરોપીઓ વધુ રૂ. 1.15 કરોડની માંગણી કરતા હતા. એટલું જ નહીં ફરિયાદી તથા તેમના સગા-સંબંધીઓની મિલકતોના દસ્તાવેજો પોતાના નામે કરાવી લઈ જાનથી મારી અને હાથ-પગ તોડી નાખવાની ધમકીઓ આપતા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને વ્યાજખોરોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. વ્યાજના બદલામાં હડપ કરી લીધેલી મિલકતો અંગે પોલીસે બંને પક્ષકારો વચ્ચે કાયદાકીય સમજાવટ કરી સહમતી સાધી હતી. તેરા તુઝ કો અર્પણ ઝુંબેશ હેઠળ દસ્તાવેજ કરાવીને મિલકત મૂળ ફરિયાદીને પરત અપાવવામાં આવી હતી.
