સમગ્ર રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં વરસાદની અછતના કારણે ખેતી માટે સંકટ સર્જાયું છે. ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. દરમિયાનમાં સરકારે રાજ્યના ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો, પશુપાલકો માટે સહાયની રકમની પણ જાહેરાત કરી છે. તેને લઇને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. બંન્ને જિલ્લામાં વરસાદની ઘટના કારણે ખરીફ ઉત્પાદનમાં ઘટાડો થવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે. આમ છતાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જિલ્લામાંથી બાકાત રખાતાં ખેડૂતો ઉકળી ઉઠયા છે. ખેડૂતોએ વીઘે રૂ.25 હજારની સહાય તેમજ પશુઓ માટે ઘાસચારાની સહાય આપવા માગણી કરી છે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદની અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસાની સિઝનમાં સાબરકાંઠામાં 38.89 ટકા અને અરવલ્લી જિલ્લામાં 37.11 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદના અભાવે તળાવો, નદી અને નાળા તેમજ જળાશયો ભરાયા ન હોવાથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. બોર-કૂવાઓના જળસ્તર રિચાર્જ ન થવાથી સંકટ વધારે ગંભીર બને તેવી સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલના નેટવર્કના અભાવે સિંચાઇના પૂરતા પાણી મળતા નથી. સિંચાઈની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ વર્ષે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોના ખરીફ વાવેતરમાં દાટ વળ્યો છે. આ વર્ષે ખરીફ્ સિઝનમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે ડાંગર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફ્ળી, દિવેલા, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદ ખેંચાવાના કારણે ડાંગર અને મગફ્ળીના ઉતારામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. મગફ્ળીનો ઉતારો ઘટીને પ્રતિ વીઘા 20થી 30 મણ જેટલો જ ઉતારો આવ્યો છે.
