ગુજરાત રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યની 17,000થી વધુ સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટરોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યાં છે. જેમાં અરવલ્લી જિલ્લા મહામંડળ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મહામંડળ દ્વારા મુખ્ય ચાર માગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં એફઆરસી પ્રક્રિયાનું સરળીકરણ, દર વર્ષે 10 ટકા કે તેથી ઓછો ફી વધારો કરતી શાળાઓને દરખાસ્ત કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવી, હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓની ફી ચૂકવણી કરવી, શાળાઓની સ્વાયત્તતા, સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક અને છૂટા કરવાની સત્તામાં સરકારી હસ્તક્ષેપ દૂર કરવા, રોજબરોજની વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા માટે એક અલગ કોમન પોર્ટલ બનાવવા જેવી માગણીઓ રજૂ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અતુલભાઈ પટેલ, મંત્રી મનીષભાઈ પટેલ, સહિત મોટી સંખ્યામાં કારોબારી અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
