અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની આંબલિયારા ગ્રામ પંચાયતના તલાટીને ફરજમોકૂફ કરતો આદેશ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ (પંચાયત)એ કર્યો છે. પૂર્વ મંજૂરી કે રજા મંજૂર કરાવ્યા સિવાય પોતાની ફરજ પર ગેરહાજર રહેવાના મામલે બાયડ ટીડીઓના રિપોર્ટ બાદ તલાટી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બાયડની આંબલિયારા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે વી એસ પરમાર ફરજ બજાવે છે. બાયડ ટીડીઓએ જિલ્લા પંચાયતને ગત તા.10-11-2025ના રોજ રિપોર્ટ કર્યો હતો. જે મુજબ તલાટી પૂર્વ મંજૂરી કે રજા મંજૂર કરાવ્યા સિવાય પોતાની ફરજ પર ગેરહાજર રહેતા હતા. એટલું જ નહીં ગેરહાજર રહેવા બદલ પાઠવેલી નોટીસોના ખુલાસા પણ રજૂ કર્યા હતા. તેમના બેજવાબદારીભર્યા વર્તનના કારણે ગ્રામ પંચાયત કચેરીની કામગીરી ખોરવાઇ હતી. સમયસર માહિતી રજૂ ન કરાતાં વડી કચેરીએ અહેવાલો, તપાસ, જવાબો સમયસર થઇ શક્તા ન હતા. આથી બાયડ ટીડીઓએ તેમની વિરૂદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતને રિપોર્ટ કર્યો હતો. બાયડ ટીડીઓના આ રિપોર્ટ તેમજ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો-1997, ગુજરાત પંચાયત સેવા (વર્તણુંક) નિયમો- 1998 તેમજ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીના નોંધ પરના આદેશને જોતાં અરવલ્લી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ (પંચાયત) દ્વારા બાયડની આંબલિયારા ગ્રામ પંચાયતના તલાટી વી એસ પરમારને ફરજમોકૂક કરવાનો આદેશ કરાયો હતો. તા.01-03-2026ની અસરથી તેમને ડિમ્ડ સસ્પેન્શન હેઠળ મુકવાનો હુકમ કરાયો છે. એટલું જ નહીં, તેમના ફરજમોકૂફીના સમયગાળા દરમિયાન તેમનું હેડક્વાર્ટર ધનસુરા તાલુકા પંચાયત કચેરી રહેશે તેવો પણ આદેશ કરાયો છે. બાયડ ટીડીઓને આદેશની નકલ મોકલી તેની બજવણી તલાટીને કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો