અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના બોરડી ગામે ખેતરના શેઢાની હદ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં એક શિક્ષક પર પાડોશી ખેડૂતે લાકડાના હાથા વડે જીવલેણ હુમલો કરી જાતિવિષયક અપમાનિત કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે સાઠંબા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાઠંબા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બોરડી ગામના વણકરવાસમાં રહેતા અને સ્થાનિક અંબીકા હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફ્રજ બજાવતા 47 વર્ષીય કનુભાઇ ગોવિદભાઈ પરમાર ગત તા.1 જુલાઈના રોજ સવારે સાડા સાત વાગ્યાના સુમારે પોતાના કડોલીવાળા ખેતરમાં ગયા હતા. તેઓ પોતાના ખેતરના શેઢા પર કોદાળીથી બોરડીના કાંટા સાફ્ કરી રહ્યા હતા. તે દરમિયાન આશરે નવ વાગ્યાના અરસામાં બાજુના ખેતરના માલિક જયંતીસિંહ ડાહ્યસિંહ ઝાલા (રહે. બોરડી, તા. સાઠંબા, જિ. અરવલ્લી) ત્યાં આવી પહોંચ્યા હતા. તું ખોદતો ખોદતો મારા ખેતરમાં કેમ આવે છે ? તેમ કહી કનુભાઇ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. કનુભાઇએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા જયંતીસિંહ ઝાલાએ તેમની ફેટ પકડી જાતિવિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારી ગડદાપાટુનો માર મારી નીચે પાડી દીધા હતા. આરોપીએ હાથમાં રહેલી કોદાળીનો લાકડાનો હાથો કનુભાઇના ડાબા પગના સાથળ પર ફ્ટકારી દેતા તેમને મૂઢ માર વાગ્યો હતો. ભોગ બનનાર શિક્ષક જીવ બચાવવા નજીકના ઘરમાં દોડી ગયા ત્યારે પણ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત શિક્ષકને 108 મારફ્તે વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સાઠંબા પોલીસે આરોપી જયંતીસિંહ ઝાલા વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો