અરવલ્લી જિલ્લાના તાલુકામથક સાઠંબા નગરમાં આવેલા બસ સ્ટેન્ડની હાલત અત્યંત જર્જરિત થઈ જતાં અહીંથી રોજ મુસાફરી કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. વર્ષો પહેલાં બનાવવામાં આવેલા આ બસ સ્ટેન્ડમાં પાણીની પરબ, કેન્ટીન, ચારેક દુકાનો અને મુસાફરો માટે પ્રતીક્ષાલય જેવી સગવડો આવેલી છે. જોકે યોગ્ય જાળવણીના અભાવે અને સમય થતાં આ બસ સ્ટેન્ડનું ધાબું સાવ જર્જરિત થઈ ગયું છે.
સ્થાનિકો મુજબ હાલ સ્થિતિ એ છે કે બસ સ્ટેન્ડની છતમાંથી અવારનવાર સિમેન્ટના મોટા-મોટા પોપડા નીચે ખરી રહ્યા છે. બસની રાહ જોઈને બેઠેલા મુસાફરો તેમજ શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ પર ગમે ત્યારે આ પોપડા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અગાઉ પણ ધાબામાંથી પોપડા પડવાના અનેક બનાવો બની ચૂક્યા છે. પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ મોટી અકસ્માત કે જાનહાનિ થઇ નથી. આ સમસ્યાને ધ્યાને રાખીને બસ સ્ટેન્ડની જોખમી છતને સંપૂર્ણપણે ઉતારી લેવા માગણીઓ ઉઠી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જર્જરિત છત ઉતારી લેવામાં આવે અને મુસાફરો માટે સલામત વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગણીઓ બુલંદ બની છે.
