ઉપરવાસમાં આવેલા રાજસ્થાનના મહીબજાજ સાગર ડેમ સહિતના વિસ્તારોમાંથી નવાં નીરની આવક જારી રહેતાં મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા જળાશયની જળસપાટીમાં થોડો વધારો થયો છે. જળાશયની સપાટી આજની તા. 18 ઓગસ્ટ 2026ની સ્થિતિએ વધીને 122.45 મીટર પહોંચી છે. જેના પગલે સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ થકી ડેમના પાણીનો લાભ મેળવતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓના હજારો ખેડૂતોને થોડી રાહત થઇ છે. અરવલ્લી જિલ્લાને અડીને આવેલા મહિસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ ઉત્તર ગુજરાતના ધરતીપુત્રો માટે આશીર્વાદસમાન સાબિત થયો છે. ડેમમાંથી વહી જતું વધારાનું પાણી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલમાં છોડવામાં આવે છે. આ કેનાલ ખુલ્લી છે. જેના કારણે આ કેનાલ જે-જે ગામો પાસેથી પસાર થાય છે તે ગામોનાં બોર-કૂવાઓ પણ જીવંત રહે છે, સાથોસાથ ભૂગર્ભ જળ પણ રિચાર્જ થાય છે. આ કેનાલ મારફતે મહિસાગર ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં આવેલાં તળાવો પણ ભરવામાં આવે છે અને ખેડૂતોને સિંચાઇ અર્થે પણ પાણી આપવામાં આવે છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં કડાણા જળાશયમાં ઉપરવાસમાંથી નવાં વરસાદી નીરની આવક શરૂ થઇ હતી. કડાણા ડેમની જળ સપાટી જો કે હજુ પણ તેની અપેક્ષા પ્રમાણે પહોંચી નથી. ત્યારે આજે તા.18 ઓગસ્ટ 2026ની સ્થિતિએ કડાણા ડેમની જળસપાટી 122.45 મીટર દર્શાવી રહી છે. આ ડેમના ઉપરવાસમાં આવેલા રાજસ્થાનના મહીબજાજ સાગર ડેમ સહિતના કેચમેન્ટ એરિયામાંથી પાણીની વત્તા ઓછા અંશે આવક જારી રહી છે. હાલમાં કડાણા ડેમમાં 3286 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમ 61.23 ટકા ભરાયો છે. ડેમની કુલ જળસપાટી 127.71 મીટર છે. ડેમ સંપૂર્ણપણે ભરાવામાં હજુ પણ 5.26 મીટરનું મોટું અંતર જોવા મળે છે. ડેમમાં નવા નીરની આવક જારી રહેતાં ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં હાલમાં થોડી રાહતની લાગણી ફેલાઇ છે. કડાણા ડેમનાં પાણી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ મારફતે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા સહિતના વિસ્તારોમાં થઇને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચે છે. જેથી તેના પાણીનો સિંચાઇ અર્થે ખેડૂતોને લાભ મળે છે. ઉપરાંત કેનાલ આસપાસનાં બોર-કૂવાઓના ભૂગર્ભ જળ પણ રિચાર્જ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો