અરવલ્લી જિલ્લામાં અને મોડાસા શહેરમાં નાસતા ફરતા તેમજ કોર્ટમાંથી સજા પડેલા આરોપીઓને પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. પ્રથમ કિસ્સામાં મોડાસાની ફેમિલી કોર્ટ દ્વારા ફોજદારી કેસમાં 6 માસની સાદી કેદની સજા ફ્ટકારાયા બાદ છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી હર્ષદ હીરાભાઇ (રહે. ચમારવાસ, સબલપુર, તા.મોડાસા, જિ. અરવલ્લી) પોતાના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. બીજા કિસ્સામાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ અમદાવાદ કોર્ટના કેસમાં છેલ્લા 8 વર્ષથી અને મોડાસા કોર્ટના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો સજા પામેલો આરોપી મોહંમદ ઇરફાન હબીબ સુથાર (રહે. હિદાયતપાર્ક સોસાયટી, આઝાદ ચોક પાસે, મોડાસા, જિ. અરવલ્લી)ને પણ પોલીસે બાતમીના આધારે તેના ઘેરથી ઝડપી લીધો હતો. મોડાસા ટાઉન પોલીસે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યા છે.
