અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે બે અલગ-અલગ ઓપરેશન હાથ ધરીને વાહન ચોરી કરનારા શાતિર શખ્સોને ઝડપી લીધા છે. જેમાં કાલબેલીયા ગેંગનો સાગરિત અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરનો સમાવેશ થાય છે. અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે બાજકોટ ગામની સીમમાં આરટીઓ કચેરી પાસે શામળાજી-મોડાસા હાઇ-વે પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે મોડાસા હજીરા ચોકડી પાસેથી શંકાસ્પદ બાઈક સાથે પસાર થતા જગદીશ ઉર્ફે સરદાર શંકરભાઈ કાલબેલીયા વાદી (ઉં.વ.26, રહે. બેડસા, તા. સિમલવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન, હાલ રહે. ધોલવાણી ત્રણ રસ્તા, તા. ભિલોડા, જિ. અરવલ્લી)ને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીએ પોતાના સાથીદાર નરેશ જોરાવર કનીપા કાલબેલીયા (મૂળ રહે. પગારા, તા. સિમલવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન, હાલ રહે. ધોલવાણી ત્રણ રસ્તા, તા. ભિલોડા, જિ. અરવલ્લી) સાથે મળીને મોડાસા, ભિલોડા અને સાબરકાંઠાના ગાંભોઈ વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી કુલ રૂ. 2.90 લાખની કિંમતની 6 બાઈકો રિકવર કરી છે અને આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી નરેશ જોરાવર કનીપાને ઝડપવા તપાસ તેજ કરી છે. અન્ય એક કાર્યવાહીમાં જિલ્લા પોલીસની ટીમે ગાજણ ગામની સીમમાં હોટેલ સર્વોત્તમ પાસે વોચ ગોઠવીને બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ડીટેઈન કર્યો હતો. આ કિશોરની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેણે મેઘરજની મદની સોસાયટી, અમદાવાદના નાના ચિલોડા અને હિંમતનગર ખાતેથી કુલ 3 બાઈકો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રૂ. 65 હજારની કિંમતના ત્રણેય બાઇક જપ્ત કરી તેને આગળની કાર્યવાહી માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આમ જિલ્લા પોલીસે વાહન ચોરીના 9 ગુનાઓનો પર્દાફશ કરી બાઇકોની રિકવરી કરી હતી.
