દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ખોરાકમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં અને મોટો નફો રળતા ભેળસેળીયા તત્વો સક્રિય થયાની જિલ્લામાં ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે બીજી તરફ સામાન્ય લોકો પૈસા ખર્ચવા છતાં બજારમાં શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજો મળતી ન હોવાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. તેવા સમયે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિના દરમિયાન જિલ્લામાંથી વિવિધ ખાદ્ય ચીજોના કુલ 11 ફોર્મલ તથા 25 સર્વેલન્સ નમૂનાઓ મેળવીને ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના પરિણામો આવ્યા બાદ નિયમ અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ડેઝિગ્નેટેડ ઓફ્સિર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત ખાસ કરીને તહેવારોમાં વધુ વપરાતી ચીજવસ્તુઓ જેવી કે મીઠાઈઓ, ફરસાણ, ફાફ્ડા, જલેબી, શુદ્ધ ઘી, તૈયાર ખોરાક તેમજ ખાદ્યતેલ વગેરેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ કામગીરી વધુ ચુસ્ત અને ઝડપી બને તે માટે અરવલ્લી જિલ્લા ખાતે ફરજ બજાવતા ફૂડ સેફ્ટી ઑફ્સિરોના કાર્યક્ષેત્રમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વી એમ બરંડાને મોડાસા, ભિલોડા અને શામળાજી તાલુકા ફાળવવામાં આવ્યા છે. જ્યારે કે આર પટેલને બાયડ, સાઠંબા અને મેઘરજ તાલુકાની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત જે ડી ઠાકોરને ધનસુરા તથા માલપુર તાલુકા ફાળવવામાં આવ્યા છે. સિનિયર ફૂડ સેફ્ટી ઑફ્સિર યુ આર દરજી સમગ્ર જિલ્લામાં ઉત્પાદક કક્ષાએ પોતાની કામગીરી બજાવશે તેમ જણાવાયું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે આગામી તહેવારોના સમયમાં પણ આ પ્રકારે સઘન તપાસ અને નમૂના લેવાની કામગીરી સતત ચાલુ રહેશે તેવા તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે.
