અરવલ્લી જિલ્લાની ભાજપ શાસિત બાયડ નગરપાલિકાના વોર્ડ નં.3ના ભાજપના સભ્યએ અંગત કારણોસર રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠક માટે આજે પેટાચૂંટણી યોજાઇ હતી. સવારના 7 વાગ્યાથી ત્રણ બુથ પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં સવારે મતદારોમાં મતદાન માટે ઉદાસિનતાનો માહોલ જોવા મળ્યો હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ત્રણ બુથ પર સરેરાશ 43.13 ટકા મતદાન થયું હતું. પેટાચૂંટણીના જંગમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે. આજે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ આગામી તા.13મી ઓક્ટોબરે મંગળવારે મતગણતરી યોજવામાં આવનાર છે. બાયડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 24માંથી 24 બેઠકો મેળવી ભાજપે સત્તા પ્રાપ્ત કરી હતી. દરમિયાનમાં વોર્ડ નં.3ના ભાજપના સભ્યએ અંગત કારણોસર સભ્યપદેથી રાજીનામું આપતાં બેઠક ખાલી પડી હતી. જેની પેટાચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે વિધિવત કાર્યક્રમ જાહેર કર્યો હતો. ગત તા.21-09-2026ના રોજ આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. તા. 26-09-2026ના રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. અનુસૂચિત જાતિ અનામત બેઠક માટે ભાજપમાંથી મહેશભાઇ મોંઘાભાઇ પરમારે ફોર્મ ભર્યું હતું. સામે પક્ષે કોંગ્રેસમાંથી મુકેશભાઇ મંગળભાઇ મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી. આમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધા મુકાબલાના મંડાણ થયા હતા. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. પરંતુ મતદારોમાં માહોલ નિરસ જણાયો હતો. આજે તા.11-10-2026ના રોજ સવારના 7થી સાંજના 6 સુધી મતદાન યોજાયુ હતું. વોર્ડ નં.3માં અરજણવાવ ગામના બુથમાં કુલ પુરૂષ મતદારો 203, સ્ત્રી મતદારો 18 4 મળી કુલ 387 મતદારો નોંધાયા હતા. ગિરિરાજ સોસાયટીના બુથ નં.1માં પુરૂષ 419, સ્ત્રી 407 મળી કુલ 826 મતદારો નોંધાયા હતા. એ જ પ્રમાણે ગિરિરાજ સોસાયટી બુથ નં.2માં પુરૂષ 302, સ્ત્રી 313 મળી કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 615 થાય છે. આમ વોર્ડ નં.3માં પુરૂષ 924, સ્ત્રી મતદારો 904 મળી કુલ મતદારોની સંખ્યા 1828 થાય છે. આજે યોજાયેલા મતદાનમાં અરજણવાવ ગામના બુથ ઉપર બપોરના 3 વાગ્યા સુધીમાં કુલ 171નું મતદાન થયું હતું. ગિરિરાજ સોસાયટી બુથ નં.1માં 396 જ્યારે ગિરિરાજ સોસાયટીના બુથ નં.2માં 230 મત પડયા હતા. સવારના 7થી બપોરના 3 વાગ્યા સુધીમાં 797નું મતદાન થયું હતું. ટકાવારીની દૃષ્ટિએ ત્રણેય બુથ ઉપર 43 ટકા મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારોની જીતના દાવા કર્યા હતા. આ પેટાચૂંટણીના પરિણામથી ભાજપને પાલિકામાં બહુમતીમાં કોઇ ફરક પડવાનો નથી. કુલ 24માંથી 23 બેઠકો ભાજપ હસ્તક છે. જ્યારે જો કોંગ્રેસ જીતે તો પાલિકામાં વિરોધપક્ષનું ખાતું ખુલે તેમ છે. મતદારોએ કોની તરફેણમાં મતદાન કર્યું છે તે તો આગામી તા.13 ઓક્ટોબરે મંગળવારે ઇવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે. પરંતુ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોમાં વ્યાપેલી ઘોર ઉદાસિનતા સ્પષ્ટપણે જોવા મળી હોવાનું રાજકીય ક્ષેત્રના જાણકારોએ અનુભવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો