શિયાળાની ઠંડી ધીમે ધીમે પોતાનું જોર બતાવી રહી છે અને તેની સીધી અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હાલમાં થઇ રહેલા રવી પાકોના વાવેતર પર જોવા મળી રહી છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, ગાંધીનગર અને મહેસાણા એમ સાતેય જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધતાં ખેડૂતો રવી મોસમના વાવેતરમાં પરોવાયા છે. રવી 2026-27 સિઝન અંતર્ગત ગત તા.23 નવેમ્બર 2026 સુધીમાં ઉત્તર ગુજરાત ઝોનના સાત જિલ્લાઓમાં વાવેતરની કામગીરી આગળ વધી રહી છે. સાતેય જિલ્લાઓમાં રવી વાવેતર 4.50 લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે. હાલમાં ઠંડીના સાનુકૂળ માહોલમાં રવી વાવેતરને ફાયદો થવાની ધારણા છે. ઉત્તર ગુજરાતનો પ્રદેશ શિયાળુ પાકો માટે મહત્વપૂર્ણ ગણાય છે. ઠંડીનું જોર વધતાં જમીનમાં ભેજ જળવાઈ રહેવાની સાથે રવી પાકોના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું છે. તા.23 નવેમ્બર 2026ની સ્થિતિએ ઉત્તર ગુજરાતના સાતેય જિલ્લાઓમાં ઘઉં પિયત 69900 હેક્ટર, ઘઉં બિન પિયત 500 હેક્ટર, જુવાર 100 હેક્ટર, મકાઈ 5300 હેક્ટર, અન્ય ધાન્ય 2700 હેક્ટર, ચણા 39500 હેક્ટર, અન્ય કઠોળ 100 હેક્ટર, રાયડો 141100 હેક્ટર, તમાકુ 9900 હેક્ટર, ધાણા 200 હેક્ટર, લસણ 300 હેક્ટર, સવા 2500 હેક્ટર, ઈસબગુલ 400 હેક્ટર, વરિયાળી 2500 હેક્ટર, ડુંગળી 100 હેક્ટર, બટાકા 88500 હેક્ટર, શાકભાજી 12200 હેક્ટર તેમજ ઘાસચારાનું 64000 હેક્ટર વાવેતર પહોંચ્યું છે. રવી વાવેતરની જિલ્લાવાર સ્થિતિ તરફ નજર કરીએ તો, બનાસકાંઠા અને વાવ-થરાદ પટ્ટામાં અનુક્રમે 1.41 લાખ અને 78 હજાર હેક્ટર નોંધપાત્ર વાવેતર થયું છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં પણ ખેડૂતો રવી વાવેતરની કામગીરીમાં પરોવાયા છે. ઠંડીના વધતા જોર સાથે સિંચાઈની વ્યવસ્થાના સહારે ખેડૂતો સમયસર વાવેતર પૂર્ણ કરવા માટે કામે લાગ્યા છે. રવી સિઝનમાં મુખ્ય ધાન્ય પાક એવા ઘઉંના વાવેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોનો ઝોક જોવા મળ્યો છે. સાતેય જિલ્લાઓમાં ઘઉંનું વાવેતર થઈ રહ્યું છે. ખાસ કરીને અરવલ્લી 17300 હેક્ટર, સાબરકાંઠા 16400 હેક્ટર, મહેસાણા 8300 હેક્ટર અને પાટણ જિલ્લામાં 9000 હેક્ટર ઘઉંનો વાવેતર વિસ્તાર પહોંચ્યો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 14100 હેક્ટર અને વાવ-થરાદમાં 3100 હેક્ટરમાં ઘઉંનું વાવેતર આગળ વધી રહ્યું છે. બિન પિયત ઘઉંનું વાવેતર મર્યાદિત અમુક સ્થળોએ જ જોવા મળે છે. આ ઉપરાંત મકાઈ, જુવાર અને અન્ય ધાન્ય પાકોનું પણ અમુક જિલ્લાઓમાં વાવેતર થયું છે. કઠોળ પાકોમાં ચણાનું વાવેતર મહત્વનું બની રહ્યું છે. પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ચણાના વાવેતરમાં ખેડૂતોએ સક્રિયતા બતાવી છે. જેનાથી આગામી સમયમાં કઠોળનું ઉત્પાદન વધવાની ધારણા છે. આ સિવાય તેલીબિયાં પાકોમાં રાયડાનું વાવેતર મોખરે છે. બનાસકાંઠા 48000, વાવ-થરાદ 53900 હેક્ટર, પાટણ 19500 અને મહેસાણા જિલ્લામાં 17300 હેક્ટરમાં રાયડાનું નોંધપાત્ર વાવેતર થયું છે. જ્યારે અરવલ્લી 1100 હેક્ટર, સાબરકાંઠા 500 હેક્ટર અને ગાંધીનગર જિલ્લામાં 800 હેક્ટરમાં રાયડા હેઠળનો વિસ્તાર નોંધાયો છે. શિયાળાની ઠંડી રાયડાના પાક માટે અનુકૂળ ગણાતી હોવાથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળે છે. બટાકા અને શાકભાજીના વાવેતરમાં પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અગ્રેસર રહ્યા છે. અરવલ્લી 28500 હેક્ટર, સાબરકાંઠા 8900 હેક્ટર, બનાસકાંઠા 41700 હેક્ટર અને વાવ-થરાદ જિલ્લામાં 3200 હેક્ટરમાં બટાકાનું વાવેતર આગળ વધી રહ્યું છે. સાથોસાથ ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને વાવ-થરાદમાં શાકભાજી તેમજ પશુપાલન માટે જરૂરી ઘાસચારાનું વાવેતર પણ થઈ રહ્યું છે. આ ઉપરાંત જીરું, ધાણા, લસણ, સવા, ઈસબગુલ, વરિયાળી, ડુંગળી અને તમાકુ જેવા પાકોનું પણ વાવેતર નોંધાયું છે. નવેમ્બરના અંતિમ દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાતાં રવી વાવેતર માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઇ છે. અરવલ્લી 56100, સાબરકાંઠા 36200, બનાસકાંઠા 141000, પાટણ 84800 હેક્ટર, વાવ-થરાદ 78800 હેક્ટર, ગાંધીનગર 10600 જ્યારે મહેસાણા જિલ્લામાં 42700 હેક્ટર વાવેતર પહોંચ્યું છે. સાતેય જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની સાથે વાવેતર વિસ્તાર હજુ વધે તેવી શક્યતાઓ છે. .

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો