અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ખેતરોમાંથી મગફળીનો પાક થ્રેસરો મારફતે કાઢી રહ્યા છે. આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદના કારણે ઉત્પાદન ઘટવાની ભીતિ વચ્ચે મગફળીની માગ વધી છે અને યાર્ડોમાં ઉંચા ભાવ મળી રહ્યા હોઇ ખેડૂતો ટેકાના ભાવે સરકારને માલ વેચવાના બદલે આ વખતે યાર્ડો તરફ વળી જાય તો નવાઇ નહીં !!! તેવું તેમનું કહેવું છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી નવ હજાર ઉપરાંત ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી સરકારને વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં માલ લઇને ખરેખર કેટલા ખેડૂતો પહોંચે છે ? તે હવે જોવાનું રહ્યું છે.
સમગ્ર રાજ્ય સહિત અરવલ્લી જિલ્લામાં મગફળી, સોયાબીન, અડદ, મગ, ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, રાગી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે પ્રક્રિયા જારી છે. મગફળી માટે રજિસ્ટ્રેશનની મુદ્દત વધારીને તા.24 ઓક્ટોબર કરાઇ હતી. આમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.25 ઓક્ટોબર 2026ની સ્થિતિએ જિલ્લામાંથી રજિસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોની સંખ્યા નવ હજારને પાર પહોંચી છે. જિલ્લામાં 67 હજાર હેક્ટર ઉપરાંત મગફળીનો વાવેતર વિસ્તાર રહ્યો હોઇ હાલમાં માર્કેટયાર્ડોમાં મગફળીની બમ્પર આવક થઇ રહી છે. મગફળીનો ટેકાનો ભાવ મણનો રૂ.1503 છે. તેની સામે ખેડૂતોને માર્કેટયાર્ડોમાં સરેરાશ રૂ.1600થી રૂ.1850 અને રૂ.2000 સુધીનો ઉંચો ભાવ મળી રહ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ટેકાના ભાવ કરતાં બજારમાં ઉંચા ભાવ મળતાં ખેડૂતો એપીએમસી તરફ વળી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ઘણી જ ધીમી હોય છે. વાતાવરણ બદલાય અને માવઠું થાય તો તૈયાર પાકનો સંગ્રહ ક્યાં કરવો ? તેને લઇને ધરતીપુત્રો મૂંઝવણ અનુભવતા હોય છે. આ ઉપરાંત ખરીદીના કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવતી ન હોવાથી હાઇવે પર મગફળી ભરેલા ટ્રેક્ટરોની લાંબી કતારો લાગતી હોય છે. બજારમાં ભાવ નીચા હોય ત્યારે ખેડૂતો કલાકોના કલાકો રાહ જોઇને પણ પોતાનો માલ ખરીદ કેન્દ્રો સુધી પહોંચાડવા જહેમત ઉઠાવતા હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ તદ્દન વિપરિત બની છે. ગત વર્ષે મગફળી વેચવા ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી લાઇનો લાગી હોવાના દ્રશ્યો સામાન્ય બન્યા હતા. આ વર્ષે ઉંચુ રજિસ્ટ્રેશન છતાં જિલ્લામાંથી મગફળી વેચવા માટે ધસારો થાય તેવી શક્યતાઓ ઓછી હોવાનું ખેડૂતોનું માનવું છે. બજારમાં ટેકાના ભાવ કરતાં ઉંચા ભાવ મળતા હોઇ ખેડૂતો યાર્ડો તરફ વળી ગયા હોવાનું તેમનું કહેવું છે. બીજું કે હજુ સુધી ખરીદીની તારીખની સ્પષ્ટ જાહેરાત ન થતાં ખેડૂતો અસમંજસમાં છે. નબળા ચોમાસાથી ઉત્પાદન ઘટવાની દહેશત વચ્ચે મગફળીના ભાવોમાં તેજી જોવા મળી છે. જેથી આ વખતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલાં જ માલ યાર્ડોમાં પહોંચી જશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.
