અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રાધામના અટકેલા વિકાસ, વિસ્થાપિતોના પુનર્વસન, તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવા તેમજ યાત્રાળુઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા શામળાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર, શામળાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે શામળાજી ખાતે વિકાસ માટે ડિમોલેશન અને આયોજનની પ્રક્રિયા વર્ષ 2011માં કરવામાં આવી હતી. પરંતુ આજે 15 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિકાસની કામગીરી ખૂબ મર્યાદિત રહી છે. માત્ર મંદિર પરિસરનો જ વિકાસ કરવામાં આવ્યો છે, જ્યારે વિકાસના નામે અંદાજે 100થી વધુ દુકાનો અને 200થી વધુ મકાનો તોડવામાં આવ્યા હોવા છતાં સંબંધિત પરિવારો અને વેપારીઓનું આજ દિન સુધી યોગ્ય પુનર્વસન કરવામાં આવ્યું નથી, જેના કારણે અનેક પરિવારો વર્ષોથી મુશકેલીમાં જીવન જીવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા વધુમાં જણાવાયું હતું કે દર વર્ષે લાખો શ્રાદ્ધાળુઓ આવતા હોવા છતાં શામળાજી ખાતે યાત્રાળુઓ માટે પૂરતી પાર્કીંગ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સાથે જ લાંબા સમયથી ચર્ચામાં રહેલી રિવરફ્રન્ટ વિકાસ યોજના પણ અમલમાં આવી નથી, જેના કારણે યાત્રાધામના સર્વાંગી વિકાસમાં વિલંબ થઈ રહ્યો છે. શામળાજીને નવા તાલુકા તરીકે જાહેર કર્યા બાદ પણ અનેક તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ સંપૂર્ણ રીતે કાર્યરત ન થતા સ્થાનિક નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે ટાઉન પ્લાનિંગ હેઠળ વિસ્થાપિત થયેલ તમામ પરિવારોનું તાત્કાલિક અને યોગ્ય પુનર્વસન કરવામાં આવે, વર્ષોથી પેન્ડિંગ પડેલ ડ્રાફ્ટ ટીપી યોજનાને મંજૂરી આપી વિકાસ કાર્યો ઝડપથી શરૂ કરવામાં આવે, યાત્રાળુઓ માટે પાર્કીંગ, પીવાનું પાણી, સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તથા રિવરફ્રન્ટ વિકાસ યોજના તાત્કાલિક અમલમાં મુકવામાં આવે. કોંગ્રેસે જણાવ્યું હતું કે શામળાજી જેવા ઐતિહાસિક અને રાજ્યસ્તરના મહત્વ ધરાવતા યાત્રાધામને વર્ષોથી અધૂરા વિકાસમાં રાખવું પ્રજાના હિત વિરુદ્ધ છે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલ, પ્રદેશ પ્રભારી મુકેશભાઇ પરમાર,પ્રમુખ કાંતિભાઇ ખરાડી, વનરાજભાઇ ડામોર,રાહુલભાઇ ગામેતી, રાજેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા , હિંમતસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
