ભરૂચ શહેરમાં આવેલી જુમ્મા મસ્જિદમાં આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પુરાતત્વીય ઇમારતની અંદર નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવેલા અનધિકૃત અને વધારાના બાંધકામોને તોડી પાડવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. પુરાતત્વ વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલી કડક નોટિસ અને સૂચનાઓનું પાલન કરાવવા માટે તંત્રએ આ આકરું વલણ અપનાવ્યું છે.
વજુખાનું સહિતના વાંધાજનક બાંધકામો તોડી પડાયા
મળતી સત્તાવાર વિગતો અનુસાર, ભરૂચની આ જુમ્મા મસ્જિદમાં છેલ્લા કેટલાક સમયથી અંદરના ભાગે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનો વિવાદ ચાલી રહ્યો હતો. પુરાતત્વ વિભાગ સંરક્ષિત આ સ્મારકમાં કોઈપણ પ્રકારના નવા બાંધકામ પર પ્રતિબંધ હોવા છતાં, ત્યાં વજુખાનું (નમાજ પૂર્વે હાથ-પગ ધોવાનું સ્થાન) અને અન્ય કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. આ મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આજે ભારે મશીનરી સાથે તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાંધાજનક વધારાના તમામ લોખંડી અને સિમેન્ટના માળખાઓને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
જૂનો ઐતિહાસિક વિવાદ અને દાવાઓ ફરી ચર્ચામાં
આ ડિમોલેશનને પગલે ભરૂચનો વર્ષો જૂનો ઐતિહાસિક વિવાદ ફરી એકવાર સોશિયલ મીડિયા અને જાહેર પ્લેટફોર્મ પર ટોક-ઓફ-ધી-ટાઉન બન્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક હિન્દુ સંગઠનો અને સંશોધકો દ્વારા આ સ્થળ મૂળ રીતે પ્રાચીન 'સમરી જૈન વિહાર' હોવાનો અને મહાનુભાવ 'ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ' હોવાનો દાવો સતત કરવામાં આવી રહ્યો છે. આ ધાર્મિક અને ઐતિહાસિક દાવાઓને કારણે આ સ્થળ લાંબા સમયથી સંવેદનશીલ માનવામાં આવે છે.
તકેદારીના ભાગરૂપે લોખંડી પોલીસ બંદોબસ્ત
આ ડિમોલેશનની કામગીરી અત્યંત સંવેદનશીલ હોવાથી ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર, ઘટનાસ્થળ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. કોઈ અફવા ન ફેલાય અને શાંતિ સમિતિના સભ્યો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર મોનિટરિંગ કરી રહ્યા છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે અંકુશ હેઠળ છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ વિના તંત્ર દ્વારા કાનૂની ઓપરેશન આગળ વધારવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: ચાંદલોડિયામાં નવા રોડના પ્રોજેક્ટ માટે AMCએ સેંકડો દબાણો જમીનદોસ્ત કર્યા