ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બનેલી યુવકના મોતની ઘટના અકસ્માત નહીં પરંતુ હત્યા બનાવ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પ્રેમલગ્નની અદાવત રાખીને સાળાએ બનેવીને કાર ચઢાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
પ્રેમ લગ્નની અદાવત રાખીને સાળાએ બનેવીની હત્યા કરી
ભચાઉમાં પ્રેમ લગ્નની અદાવત રાખીને સાળાએ બનેવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ ચૌહાણ ફૂલવાડી વિસ્તારમાં રોડની સાઈડમાં પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન બોલેરો કેમ્પર ગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઇજાઓને કારણે વિનોદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
વિનોદે મેહુલની બહેન શિલ્પા સાથે પ્રેમલગ્ન કર્યા હતા
તપાસ દરમિયાન સામે આવ્યું કે ગાડી મેહુલ લાખાભાઈ કોલી ચલાવી રહ્યો હતો. મૃતક વિનોદે વર્ષ 2023માં મેહુલની બહેન શિલ્પા સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નને લઈને શિલ્પાના પરિવારજનોમાં અદાવત હતી.પોલીસ તપાસ મુજબ આ અદાવતના કારણે મેહુલે ઈરાદાપૂર્વક વિનોદ પર કાર ચઢાવી તેની હત્યા કરી હતી.
બે આરોપી ઝડપાયા
ઘટનાના સમયે કારમાં મેહુલ સાથે તેનો મિત્ર હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિ પણ હાજર હતો.ભચાઉ પોલીસે બંને સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.પ્રેમલગ્નની અદાવત રાખી બનેવીની હત્યાના કેસમાં પોલીસે બંને આરોપીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી દીધી છે.










