અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી રૂ. ૧૦ લાખ રોકડા ભરેલી બેગની ચોરીના બનાવનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. વર્ષના અંતે બનેલી આ મોટી ચોરીમાં પોલીસે અમદાવાદની કુખ્યાત છારા ગેંગનું કનેક્શન શોધી કાઢી સિદ્ધપુરથી બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ચોરીની મોડસ ઓપરેન્ડી અને છારા ગેંગનું કનેક્શન
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI આર.કે. ટોરાણીની ટીમને મળેલી બાતમીના આધારે પાટણના સિધ્ધપુર ખાતે રહેતા કલ્પેશ ઉર્ફે કપીલ મોહનભાઇ બોચીયા અને ગીરીશ મગનભાઇ પરમારને સિંધી કેમ્પ પાસેથી ઝડપી લેવાયા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ચોરી પાછળ એક સુનિયોજિત કાવતરું હતું.
વોન્ટેડ આરોપીએ સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો
પકડાયેલા આરોપી કલ્પેશ બોચીયાએ વોન્ટેડ આરોપી રોજનીશ ગુમાને સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો.આરોપીઓએ જે વિસ્તારમાં ચોરી કરવાની હોય, તે વિસ્તારના RTO પાસિંગની ડુપ્લીકેટ નંબર પ્લેટ દાંતીવાડાના ચંદનકુમાર ધડીયા પાસેથી બનાવડાવી હતી. ગેંગના સભ્યોએ બીમાર કે પથારીવશ હોય તેવા વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામ પર રોકડાથી બે નવી બાઇકની ખરીદી કરી હતી, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય.
કારમાંથી 10 લાખની રોકડ ભરેલી બેગ ઉઠાવી
અંકલેશ્વર GIDCમાં રોજનીશ ગુમાને, રોહીત ઉર્ફે નાગીન દલપત ધમાડે અને નીખીલે આ બાઇકો પર હેલ્મેટ પહેરીને આવીને કારમાંથી 10 લાખની રોકડ ભરેલી બેગ ઉઠાવી હતી.ચોરીમાં ગૌરવ ઉર્ફે વેર્નિક ધર્મેન્દ્ર ગુમાનેએ મદદગારી કરી હતી, જ્યારે સૌરભ મનહરભાઇ ધવડેએ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી.ઝડપાયેલા બંને આરોપીઓ આ ચોરીમાં વપરાયેલી બાઇકોને અમદાવાદના છારા નગરમાં રહેતા ગેંગના સાગરિતોને આપવા જઈ રહ્યા હતા. આ બાઇકોનો ઉપયોગ ચીલઝડપ માટે કરવામાં આવતો હતો અને કામ પૂર્ણ થયા બાદ સિદ્ધપુરના ચોર બાઇક લેવા અમદાવાદ આવતા હતા.
ચોરીમાં છારા ગેંગની સંડોવણીથી પોલીસ ચોંકી ઉઠી
ભરૂચ LCB એ ચોરીમાં વપરાયેલી બે બાઇક અને 3 મોબાઇલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગેંગના મુખ્ય સૂત્રધાર રોજનીશ ગુમાને, રોહીત ઉર્ફે નાગીન દલપત ધમાડે, નીખિલ, ગૌરવ ઉર્ફે વેર્નિક ગુમાને, સૌરભ મનહરભાઇ ધવડે અને ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવનાર ચંદનકુમાર ધડીયા સહિત અન્ય ૬ સાગરિતોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. આ ચોરીમાં છારા ગેંગની સંડોવણીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ