ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતોની હાલાકી યથાવત છે. વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં 500 એકરથી વધુ ઉપજાઉ જમીનમાં કેડસમા પાણી ભરાયેલા છે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો ચાલુ સિઝનમાં વાવણી સહિતનું ખેતીકામ કરી શક્યા નથી.

સ્થાનિક ખેડૂત ઈમરાન પટેલના જણાવ્યા મુજબ, કવિઠા, ઓસારા અને હલદરવા સહિત આસપાસના ગામોનું વરસાદી પાણી લુવારા ગામની સીમમાં એકઠું થાય છે. અગાઉ ગુરૂદ્વારાથી લુવારા નાળા સુધી વરસાદી પાણીના કુદરતી નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી પરંતુ હાઈવે પર નવા બ્રિજની કામગીરી દરમ્યાન આ જુની ગટર પુરાઈ દેવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના દાવા મુજબ, હાઈવે ઓથોરીટી દ્વારા ખેતરોના લેવલ કરતા આશરે ત્રણ ફૂટ ઉંચી નવી ગટર બનાવવામાં આવી છે. ગટરનું લેવલ ઉંચુ હોવાથી ખેતરોનું પાણી તેમાં જતુ નથી અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે.

ખાસ વાત એ છે કે, આશરે એક મહિના પહેલા એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી તે સમયે આગામી 10 દિવસોમાં ગટર ખોદીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. જો કે 30 દિવસથી વધુ સમય વીતી જવા છતાં ગટરનો પ્રશ્નો ઠેરનો ઠેર છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ત્યારબાદ તંત્રના અધિકારીઓ સ્થળ પર પરત ફર્યા નથી. ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચાલુ સિઝનની વાવણી કરી શક્યા નથી. જો તાત્કાલીક પાણીનો નિકાલ નહીં થાય તો આગામી મહિનાઓમાં ખેતરોમાં પ્રવેશ પણ મુશ્કેલ બની શકે છે અને ખેડૂતોને બે સિઝનના પાકથી હાથ ધોવાનો વારો આવે તેવી ભિતી સેવાઈ રહી છે.

ખેડૂતોએ હાઈવે ઓથોરીટી અને વહીવટી તંત્ર સમક્ષ જુની ગટરને ઉંડી કરી ખુલ્લી કરવા તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા તાત્કાલીક ધોરણે કરવા માંગ કરી છે. ખેડૂતોનો સવાલ છે કે જયારે 10 દિવસમાં કામ પુર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી ત્યારે 30 દિવસ બાદ પણ કામગીરી કેમ શરૂ થઈ નથી ?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો