ઝઘડિયા તાલુકા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ઉમલ્લા સરકારી દવાખાના નજીકથી શનિવારની રાત્રે એક દીપડો પાંજરે પુરાયો હતો. જે દીપડાને ઝઘડિયા વન કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જે રવિવાર સવારના સમયે પાંજરામાંથી ભાગી છૂટયો હતો. દીપડાએ આ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો. તો વન કચેરી નજીક ની એક સોસાયટીમાં કામ કરતા બે મહિલા કામદારો ઉપર દીપડાએ હુમલો કરી કામદારોને લોહી લુહાણ કર્યા હતા. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી દીપડાની હાજરી જોવા મળતી હતી. દીપડા દ્વારા એક શ્વાન ઉપર પણ હુમલો કરાયો હોવાની ફરિયાદ વન વિભાગને મળી હતી. વન વિભાગ દ્વારા ઉમલ્લા ખાતે દીપડાના આંટાફેરા જણાતા હતા તે સ્થળે પાંજરું મુકવામાં આવ્યું હતું. દરમિયાન ગત શનિવાર રાત્રીએ દિપડો પાંજરામાં પુરાયો હતો. પાંજરામાં પુરાયેલ દીપડાને રવિવારે સવારે ઉમલ્લા થી ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો. રવિવારે સવારે નવ વાગ્યાના અરસામાં આ દીપડો પાંજરામાંથી અચાનક ભાગી ગયો હતો. પાંજરામાંથી ભાગેલ આ દીપડો ચાર રસ્તા તરફ્ આવ્યો હતો. અને ત્યાં હાજર લોકોએ દીપડાને જોઇને બુમાબુમ કરી હતી. દીપડાની હાજરીથી અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. દીપડો વન વિભાગની કચેરી નજીક આવેલી રેવા સોસાયટીમાં પ્રવેશ્યો હતો. જ્યાં કામ કરતી બે મહિલા કામદારો લલીતાબેન અને રીંકલબેન નામની બે મહિલાઓ ઉપર દીપડાએ હુમલો કરી તેમને લોહી લુહાણ કર્યા હતા. ઘટનાને પગલે ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ભાગી ગયેલા દીપડાને પુનઃ પકડી પાડવા માટે નજીકના વિસ્તારમાં વન વિભાગ દ્વારા કવાયત હાથ કરવામાં આવી છે. પરંતુ દીપડા ના મોડી સાંજ સુધી ક્યાંય કોઈ સગડ મળ્યા નથી.
