અંકલેશ્વરની વ્યસ્ત ગણાતી રાજપીપળા ચોકડી નજીક આજે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતી ક્રેને રસ્તો ઓળંગી રહેલી માત્ર 2 વર્ષની માસૂમ બાળકીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી.

અંકલેશ્વરમાં ક્રેનની અડફેટે બાળકીનું મોત

મળતી માહિતી મુજબ, મૃતક બાળકી એક શ્રમજીવી પરિવારની હતી. પરિવારના સભ્યો કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે માસૂમ બાળકી રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેઇને બાળકીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકીએ ગણતરીની મિનિટોમાં જ દમ તોડી દીધો હતો.

પોલીસે ક્રેનને કબજે લીધી

અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો એકઠા થઈ જાય તે પહેલા જ ક્રેઇન ચાલક પોતાની ક્રેન રસ્તા પર જ મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. લોકોના ટોળાએ ઘટનાસ્થળે દોડી આવી બાળકીના પરિવારને સાંત્વના આપી હતી અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે  બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.અકસ્માત સર્જનાર ક્રેનને કબજે લીધી છે. ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Kutch: મુન્દ્રામાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાનો હુમલો, વાહનો ફૂંકી માર્યા