ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે આજે એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. ગામમાં રહેતા 44 વર્ષીય રાયમલભાઈ જીવાભાઇ રાઠોડનું ગામના તળાવમાં ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે રાયમલભાઈના પરિવાર સહિત સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ગ્રામજનોએ કર્યો બચાવવાનો પ્રયાસ
ઘટનાની વિગતો મુજબ, રાયમલભાઈ તળાવમાં ડૂબ્યા હોવાની જાણ ગ્રામજનોને થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેમને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.










