અગાઉના સમયમાં પંચો અને પંચાયતો દ્વારા આપવામાં આવતો હુકા પાણી બંધ અને પરિવાર બહિષ્કારનો કિસ્સો ભરૂચના કવિઠા ગામેથી સામે આવ્યો છે. જેના પડઘા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ પડયા છે. ગુજરાતમાં એક તરફ્ જ્યાં મહિલા સશક્તિકરણ અને ડિજિટલ ઇન્ડિયાના દાવા થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ્ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિકાસના નામે ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો એ શું ગુનો છે? કવિઠા ગ્રામપંચાયતના મહિલા સદસ્ય હેતલબેન મયુરસિંહ રાજ અને તેમના પરિવારે ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો, તો આખા પરિવારે તાલીબાની ફ્તવાનો ભોગ બનવું પડયું છે. આખા પરિવારનો સામાજિક બહિષ્કાર કરીને માનવતાને પણ શર્મસાર કરાઈ છે.
ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ કવિઠા ગામના ચૂંટાયેલા મહિલા સદસ્ય હેતલબેન રાજના પરિવાર પર આખા ગામમાં પ્રતિબંધ મૂકી દેવાયો છે. સજાના નામે અહીં અત્યાચારની પરાકાષ્ઠા વટાવવામાં આવી છે. આજના આધુનિક યુગમાં પણ આ પરિવારને જીવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.










