જંબુસર પંથકમાં ચોમાસાના વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની હતી. વરસાદના અભાવે હજારો એકર વિસ્તારમાં કરાયેલી વાવણી સુકાઈ જવાની ભીતિ સર્જાઈ હતી. આવા સંજોગોમાં જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની રજૂઆતના પગલે રાજ્ય સરકારે જંબુસર તાલુકામાં નર્મદા નિગમની કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડતા ખેડૂતોમાં આનંદ અને રાહતની લાગણી પ્રસરી છે.
જંબુસર તાલુકો દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી અહીંના મોટાભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. આ વર્ષે ચોમાસાના વરસાદમાં થયેલા વિલંબને કારણે વાવેતર કરેલા પાક પર સંકટ ઊભું થયું હતું. વરસાદ ન પડતાં પાક સુકાઈ જવાની શક્યતા વધતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી હતી અને ખેતીમાં કરેલું રોકાણ પણ જોખમમાં મુકાયું હતું.ખેડૂતોની આ વિકટ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈ નર્મદા નિગમની મુખ્ય કેનાલ મારફ્તે તાત્કાલિક સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી હતી.










