ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓ સહિત ઝઘડિયા તાલુકામાં પણ વિતેલા 3 દિવસો દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘો વરસતા તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો.સતત બે દિવસથી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં મેઘો મન મુકીને વરસતા લોકોએ વાતાવરણમાં પ્રવર્તમાન ઉકળાટથી રાહત મેળવી હતી.

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 8 મી તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે,તેમાં તા.5 અને 6 દરમિયાન અતિભારે વરસાદ થઇ શકે એમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ અને ભરૂચ જિલ્લામાં પણ પવન ફુંકાવા સાથે મુશળધાર વરસાદ વરસવાની સંભાવના વચ્ચે ઝઘડિયા તાલુકામાં પણ વરસાદી માહોલથી જનજીવન પ્રભાવિત થયું છે. તાલુકામાં 3 દિવસથી ચોમાસું માહોલ વચ્ચે પ્રમાણમાં સારો ગણાય તેવો વરસાદ થતાં ચોમાસું પાકને ફયદો થશે એવી આશા ખેડૂત વર્ગમાં જણાય છે.

ચોમાસાની શરૂઆત થતા તાલુકાના ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા જેવા મહત્વના વેપારી મથકોના બજારોમાં ખેતીવિષયક વસ્તુઓના વેચાણમાં તેજી આવે તેવા એંધાણ જોવા મળે છે. વળી કાચા મકાનોમાં ટપકતું પાણી બંધ કરવાના ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની તાડપત્રી અને છત્રી રેઇનકોટનું પણ વેચાણ થતું જોવા મળ્યું હતું.

રાજ્યની નદીઓમાં મહત્વનું સ્થાન ધરાવતી નર્મદા નદી ઝઘડિયા તાલુકામાંથી વહે છે,નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો તેનું પાણી નર્મદામાં આવતા નદીમાં પૂરની સ્થિતિ પણ સર્જાતી હોય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો