સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવીક્તા એ છે કે જંબુસરમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે જેના કારણે સરકારી તંત્રના દાવા પોકળ સાબીત થયા છે. બીજી તરફ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરવાના બદલે ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉદ્ઘાટનો અને સમારંભોમાં વ્યસ્ત છે જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે.
મળતી માહિતી મુજબ, યુનિયન જિન ખાતે યુરિયા ખાતર મેળવવા માટે અનેક ખેડૂતો રાતથી જ વિતરણ કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા.વહેલી સવારથી જ ખેડૂતોની સંખ્યા સતત વધતી જતાં ખાતર વિતરણ કેન્દ્ર બહાર લાંબી કતારો જોવા મળી હતી. પોતાનો નંબર જળવાઈ રહે તે માટે કેટલાક ખેડૂતોએ લાઈનમાં પોતાની જગ્યાએ ચપ્પલ મૂકીને નંબર સાચવ્યો હોવાનું પણ જોવા મળ્યું હતું. જંબુસર યુનિયન જિન ખાતે અંદાજે 2,000 ગુણ યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા સામે આશરે 900 જેટલા ખેડૂતો ખાતર મેળવવા માટે પહોંચ્યા હતા. ઉપલબ્ધ જથ્થાની સરખામણીએ ખેડૂતોની સંખ્યા મોટી હોવાથી દરેક ખેડૂતને પોતાની જરૂરિયાત મુજબ ખાતર મળશે કે કેમ તે અંગે ચિંતા જોવા મળી હતી. વર્તમાન ધારાસભ્ય ડી.કે. સ્વામી ખેડૂતોની આ સમસ્યા સામે મૌન રહેતા આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જંબુસર તાલુકાના ખેડૂતો દ્વારા યુરિયા ખાતરના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવા માટે તાલુકાના ધરતીપુત્રો એ જંબુસરના માજી ધારાસભ્ય કિરણ ભાઈ મકવાણાની આગેવાનીમાં પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
