જંબુસર નગરના પશ્ચિમ વિસ્તારમાં વન વિભાગની કચેરીની પાછળ આવેલી પવિત્ર રેસીડન્સીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટર વ્યવસ્થાની ગંભીર સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સોસાયટીના માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી વહેતું હોવાના કારણે સ્થાનિક રહીશો તેમજ અવરજવર કરતા લોકોને ગંદકી અને દુર્ગંધના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યા મુજબ, ગટર સમસ્યાને લઈને જંબુસર નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી.ગટરનું પાણી રસ્તા પર વહેવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સોસાયટીના માર્ગ પરથી પસાર થતા રહીશો અને બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ચોમાસાની ઋતુમાં સ્થિતિ વધુ ગંભીર બની જતી હોવાની સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.રસ્તા ઉપર ગંદા પાણીના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.
