ઝઘડિયા નગરમાં 1.5 કરોડના ખર્ચે બે મહિના પહેલા જ નવો બનાવાયેલો સીસીરોડ વરસાદના પહેલા જ રાઉન્ડમાં ધોવાય જતા ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો પ્રકાશમાં આવ્યો છે. ઝઘડિયા ચાર રસ્તાથી લઇ મેઇન બજાર સુધી હાલ બે માસ પહેલા જ બનાવેલો નવો સીસીરોડ ધોવાય જતા કપચી દેખાતા રહી છે. તો નવા બનાવેલા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓ પડયા છે.
ઝઘડિયા પંથકમાં હજુ મેઘરાજા મન મુકીને વરસ્યા પણ નથી અને તે પહેલા જ જિલ્લા પંચાયત હસ્તક બનાવાયેલા રોડમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી રહી છે. ઝઘડિયા નગરમાં ચાર રસ્તાથી લઇ મઢીઘાટ સુધી સીસીરોડ તેમજ ડામર રોડ બનાવવા સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જેમાં ચાર રસ્તાથી લઇ મેઇન બજાર સુધી 700 મીટરના સીસીરોડ માટે 1.5 કરોડ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના જિલ્લા પંચાયત હસ્તક બે મહિના પહેલા જ 1.5 કરોડ ના ખર્ચે બનાવેલા ચાર રસ્તાથી મેઇન બજાર સુધીના નવો સીસીરોડ વરસાદના પહેલા જ રાઉન્ડમાં ધોવાય જતા આ રસ્તામાં થયેલી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી રહી છે.
