ભરૂચ : ચોમાસુ સિઝન દરમ્યાન સંભવિત પુર જેવી આપત્તિની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ભરૂચ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા હાંસોટના ઓભા ગામે મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલ દરમ્યાન ચોમાસા દરમ્યાન અતિભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાયાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. આ દરમ્યાન નદી કિનારે કામ અર્થે ગયેલા કેટલાક નાગરિકો અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ડૂબી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પગલે સ્થાનિક તરવૈયાઓને સાથે રાખીને તંત્ર દ્વારા પાણીમાં ડુબતા 3 લોકોને બચાવવાનો અભ્યાસ કર્યો હતો.
